ચોટીલામાં નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાન દ્વારા કાર્યવાહી
ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ
ડ્રોન સર્વેલન્સમાં સ્પષ્ટ પુરાવા
ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂળી તાલુકાના કોલસા પ્રભાવિત વિસ્તારોમાં અગાઉ મોટા પાયે ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાન દ્વારા કાર્યવાહી થતા ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થયો છે
ચોટીલા સબ ડિવિઝન હેઠળના ખાસ કરીને જામવાળી, ભડુલો, ભેટ, અસુંદ્રાળી, ધોળિયા, ગુગલિયાણા , શેખરડી, ગઢડા, સોનગઢ, ખારો વિસ્તાર, વેલાળા, ખાખરાળા, રાવરાણી, રાણીપાટ,ઉમરડા, વગડીયા, ખંપાળિયા સહિતના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરવામાં આવતું હોવાનું આજથી દોઢ વર્ષ અગાઉ ધરવામાં આવેલ વિવિધ આકસ્મિક તપાસો, દરોડા અને રેડ દરમ્યાન ધ્યાને આવેલ હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચોટીલા સબ ડિવિઝન તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી નાયબ કલેક્ટર શ્રી એચ. ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ સતત, સુનિયોજિત અને પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા વિવિધ તબક્કે ગેરકાયદેસર કોલસાના કુવાઓ બંધ કરાવવામાં આવ્યા હતા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ અને મોનીટરિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી અને જે આજે પણ ચાલુ છે રાઉન્ડ the clock ડ્યુટી બજાવે છે
ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ફરી શરૂ ન થાય તેમજ કુદરતી સંસાધનોનું સંરક્ષણ સુનિશ્ચિત થાય તે માટે આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નિયમિત હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કરવામાં આવેલા ડ્રોન સર્વેક્ષણ અને તેના ફૂટેજના અભ્યાસથી સ્પષ્ટપણે સામે આવ્યું છે કે અગાઉ ગેરકાયદેસર કોલસા ખનન માટે જાણીતા રહેલા વિસ્તારોમાં હાલમાં કોઈપણ પ્રકારની ખનન પ્રવૃત્તિ ચાલી રહી નથી. ડ્રોન સર્વેલન્સના ફૂટેજમાં અગાઉ ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા સ્થળો અને કુવાઓ બિનકાર્યરત હાલતમાં જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે ચોટીલા સબ ડિવિઝન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અત્યંત અસરકારક સાબિત થઈ છે. ડ્રોન ફૂટેજના આધારે સ્પષ્ટપણે કહી શકાય છે કે થાનગઢ અને મૂળી તાલુકાના કોલસા પ્રભાવિત વિસ્તારોમાં અગાઉ મોટા પાયે ચાલતી ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિઓ હાલની તારીખે સંપૂર્ણપણે બંધ છે અને કોઈપણ સ્થળે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કાર્યરત હોવાનું જણાતું નથી.
