સુરત મનપા દ્વારા અમરોલી વિસ્તારમાં દબાણ દૂર કર્યા
સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા હતા દબાણકર્તા
બુલડોઝર ફેરવી ગેરકાયદે બાંધકામો હટાવાયાં
સુરત મનપા દ્વારા અમરોલી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. લાંબા સમયથી સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા દબાણકર્તાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે અને બુલડોઝર ફેરવી ગેરકાયદે બાંધકામો હટાવાયાં હતાં.
અમરોલી વિસ્તારમાં આવેલી સરકારી માલિકીની કિંમતી જમીન પર છેલ્લા કેટલાક સમયથી કાચા-પાકા શેડ અને ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ અંગે તંત્રને અનેક ફરિયાદો મળી હતી ત્યારબાદ મનપાના ઝોનલ ઓફિસરો દ્વારા ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હતી. આ પછી દબાણો જાતે ન હટાવાતા આજે સવારથી જ મનપાનો કાફલો જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન હજારો ચોરસ ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે, જેની બજાર કિંમત કરોડોમાં અંકાય છે. આ વિસ્તારમાં રસ્તા નડતરરૂપ દબાણો અને સરકારી પ્લોટમાં થયેલા દબાણોને દૂર કરવામાં આવતા અનેક રસ્તાઓ પણ હવે વધુ મોકળા બનશે. ડિમોલિશન દરમિયાન કેટલાક લોકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની હાજરીને કારણે તંત્રએ મક્કમતાથી પોતાની કામગીરી ચાલુ રાખી હતી.
