રાજકોટ અગ્નિકાંડનાં 1 મહિના બાદ પણ ફરિયાદ નહીં

Featured Video Play Icon
Spread the love

રાજકોટ અગ્નિકાંડનાં 1 મહિના બાદ પણ ફરિયાદ નહીં
એટલાન્ટિસ એપાર્ટમેન્ટનાં બિલ્ડરનું નામ પણ પોલીસને યાદ નથી
એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધશેનો પોલીસે લુલો બચાવ કર્યો
વિપક્ષે કહ્યું પોલીસને ભાજપની મંજૂરી ન મળે ત્યાં સુધી કશું કરી શકતી નથી.

રાજકોટનાં હાઈપ્રોફાઇલ એટલાન્ટિસ અગ્નિકાંડને એક મહિનો થવા છતાં જવાબદારો સામે કોઈ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી. ગત તારીખ 14 માર્ચે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થવા છતાં ફરિયાદ નોંધાઇ નથી.

રાજકોટનાં હાઈપ્રોફાઇલ એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ મામલે 1 મહિનો પૂર્ણ થવા છતાં ફરિયાદ નહિ નોંધાતા આજરોજ ACP બી.જે.ચૌધરીએ મીડિયા સમક્ષ ગોળગોળ જવાબો આપ્યા હતા અને જણાવ્યું હતું કે, FSLનો પૃથ્થકરણ રિપોર્ટ આવવાનો બાકી છે. બિલ્ડરે આ બિલ્ડીંગ ત્યાંના રહેવાસીઓને સોંપી દીધું હતું. સ્થાનિક રહેવાસીઓએ એસોસિએશન રજિસ્ટર કરાવેલું ન હોવાથી કોઈની જવાબદારી ફિક્સ થતી નથી. એસોસિએશનમાં માત્ર સંચાલન જ કરતા કોઈ ઠરાવ ઓન પેપર નથી. એટલું જ નહીં ફાયર સેફ્ટીના સાધનો ચાલુ હોવાનું અને દર વર્ષે ચેક કરવામાં આવતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે RMCના ફાયર વિભાગે અગાઉ ફાયરનાં સાધનો બંધ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. ત્યારે હાઇ પ્રોફાઈલ સોસાયટી હોવાને કારણે પોલીસની એક્શન લેવામાં ઢીલાશ હોવાનું જણાઇ રહ્યું છે.

આ બનાવમાં હજુ સુધી કોઈની જવાબદારી ફિક્સ થતી જ ન હોવાનું રટણ પોલીસે કર્યું હતું. આ તકે પત્રકારો દ્વારા બિલ્ડરનું નામ પૂછવામાં આવતા 1 મહિનો થવા છતાં પોલીસને બિલ્ડર કોણ તેનું નામ યાદ નહીં હોવાનું સામે આવ્યું હતું. જોકે એટલાન્ટિસ એપાર્ટમેન્ટનાં બિલ્ડર જીતુભાઈ બેલાણી હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે. આમ પોલીસનાં જવાબોથી આ મામલે પગલાં લેવામાં ઢીલી નીતિ અપનાવાઈ રહી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, એટલાન્ટિસ અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થયો છે. આ બિલ્ડીંગમાં 14 માર્ચે લાગેલી આગમાં 3 નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. જ્યાં સુધી આ મામલે પોલીસ ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી પરિવારોને સરકારી વળતર પણ આપી શકાય તેમ નથી. આમ છતાં પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *