નર્મદા ભાજપમાં ભડકો,
7 જુલાઈએ ઉપપ્રમુખ લીલાબેન વસાવાનું રાજીનામું.
પક્ષમાં ઉચ્ચસ્તરે રજૂઆત છતાં બિલકુલ શૂન્ય સહકારનો આરોપ.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના જિલ્લા મહિલા સંગઠનના ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ ખેડૂતોના સમર્થનમાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજીનામુ આપતા લીલાબેન વસાવાએ જણાવ્યું હતું કે, સાગબારાના ખોપી ગામ સહિત 280 થી વધુ જંગલ જમીનો પર વર્ષોથી ખેતી કરતા ખેડૂતોના હિતમાં ઊભા છે.” તેમણે પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારોનો સહકાર ન મળતા 7 જુલાઈ, 2026ના રોજ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું. ઉમરપાડા સહિત અન્ય તાલુકાઓમાં ખેડૂતો જંગલ જમીન પર ખેતી કરી રહ્યા છે, જ્યારે સાગબારા તાલુકાના ખેડૂતોને છેલ્લા એક વર્ષથી ખેતી કરવા દેવામાં આવતી નથી. આ મુદ્દે ખેડૂતોને ન્યાય મળે તે માટે પક્ષના આગેવાનો સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી.
કોઈ હકારાત્મક સહકાર ન મળતા તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો. લીલાબેન વસાવાએ જણાવ્યું કે હવે આ લડત તેમની વ્યક્તિગત નથી, પરંતુ ખોપી સહિતના ગામોના ખેડૂતો સાથે મળીને જંગલ જમીનના પ્રશ્ને એકજૂથ થઈ લડત આપવામાં આવશે. આ રાજીનામા બાદ સાગબારાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
