અમદાવાદમાં ભાવનગરના 21 વર્ષીય વિદ્યાર્થીનું રહસ્યમય મોત
ઇસનપુરમાં વિદ્યાર્થી ગંભીર ઇજાગ્રસ્ત અને નગ્ન હાલતમાં મળી આવ્યો
અજાણ્યા શખ્સોએ ઢોર માર માર્યાના આક્ષેપ, સારવાર દરમિયાન મોત
મામાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો
ડોગ સ્ક્વોડ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ તેજ કરી
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ભાવનગરના 21 વર્ષીય વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે. વિદ્યાર્થીને ગંભીર ઇજાગ્રસ્ત અને નગ્ન હાલતમાં તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીએ પોતાને માર મારવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે વતન ભાવનગરમાં અંતિમ વિદાય સમયે માતાના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
મૂળ ભાવનગરનો અને અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં B.Voc ફાઇનાન્સના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો 21 વર્ષીય જીગર શૈલેષભાઈ સોલંકી છેલ્લા અઢી મહિનાથી ઇસનપુરમાં પોતાના વકીલ મામાના ઘરે રહેતો હતો. 2 ઓક્ટોબરની રાત્રે જીગર મિત્રને મળવા જવાનું કહીને પોતાની હોન્ડા એક્સટ્રીમ બાઇક લઈને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ ઇસનપુરમાં સરદાર પટેલ સ્કૂલ પાછળ આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી તે ગંભીર ઇજાગ્રસ્ત અને નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. મામાની ફરિયાદ મુજબ, જીગરને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી અને તેણે પોતાને માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, માર મારનાર વ્યક્તિઓ અંગે જીગરે કોઈ માહિતી આપી નહોતી. જીગર ઉભો પણ થઈ શકતો ન હોવાથી સ્થાનિક લોકોએ 108ને જાણ કરી હતી. ત્યારબાદ તેને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે જીગર ઈજાગ્રસ્ત હાલતમાં બાઇક લઈને આવ્યો હતો અને એપાર્ટમેન્ટ બહાર બાઇક પાર્ક કર્યા બાદ બીજા માળે પહોંચ્યો હતો. બાદમાં ફ્લેટના રહીશોએ બુમાબુમ કરતાં તે નીચે દોડી આવ્યો હતો અને ત્યાં જ ઢળી પડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ડોગ સ્ક્વોડ, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ તેજ કરી છે. બીજી તરફ, 3 ઓક્ટોબરની સાંજે વતન ભાવનગરમાં જીગરની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમ વિદાય સમયે માતાના હૈયાફાટ રૂદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
