કામરેજ બેઠકમાં મંત્રી પ્રફુલ પાનસેરિયાનો અધિકારીઓ પર આકરો પ્રહાર
સુડાની કામગીરીથી નારાજ મંત્રી, અધિકારીઓને ખખડાવ્યા
“લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો” – મંત્રી પાનસેરિયાની કડક ટકોર
કામરેજ સંકલન સમિતિની બેઠકમાં મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ
સુડાના અધિકારીઓને ખખડાવ્યા, “લોકોને ‘દૂ’ (મૂર્ખ)બનાવવાનું બંધ કરો”
કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્યના આરોગ્ય અને સંસદીય બાબતોના મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને એક મહત્વની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાણી ભરાવાની સમસ્યાઓ અને વિસ્તારના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે બોલાવાયેલી આ બેઠકમાં મંત્રીએ જનતાના કામોમાં બેદરકારી દાખવતા અધિકારીઓનો આકરો ઉધડો લીધો હતો. ખાસ કરીને સુડા (SUDA) વિભાગ અને ખોલવડ ગ્રામ પંચાયતની કામગીરી સામે મંત્રીએ ભારે નારાજગી વ્યક્ત કરી કડક પગલાં લેવાની સૂચના આપી છે.
છેલ્લા લાંબા સમયથી સર્વિસ રોડ પર થયેલા દબાણો અને તેના કારણે સર્જાતી ટ્રાફિક તથા પાણીની સમસ્યાને લઈ મંત્રી પ્રફુલ પાનસેરિયા સુડા વિભાગના અધિકારીઓ પર અત્યંત આકરા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “લોકોને આ રીતે ‘દૂ’ (મૂર્ખ) બનાવવાનું બંધ કરો. ત્રણ-ત્રણ વર્ષથી તમે કામ નથી કરતા, તમે સુડાવાળા પોતાને શું સમજો છો? લોકોને હેરાન કરવાના ધંધા બંધ કરો.” મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો હતો કે અધિકારીઓની ટીમ અત્યારે જ ફિલ્ડ પર જાય, સ્થળની મુલાકાત લઈ સમસ્યા જુએ અને આગામી બે દિવસમાં તેનો ચુસ્ત એક્શન પ્લાન રજૂ કરે. ખોલવડ ગ્રામ પંચાયત મુદ્દે TDOને આદેશ: “કામ ન થાય તો સરપંચને સસ્પેન્ડ કરો”
બેઠકમાં કામરેજ તાલુકાની ખોલવડ ગ્રામ પંચાયતના પ્રશ્નો પણ ગાજ્યા હતા. મંત્રીએ તાલુકા વિકાસ અધિકારી (TDO)ને કડક લહેજામાં સૂચના આપતા કહ્યું કે, તેઓ પોતે ખોલવડ ગામની મુલાકાત લે અને ત્યાંના પડતર પ્રશ્નોને તાત્કાલિક હાથ પર લે. મંત્રીએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ગામના 50\% લોકોને ગ્રામ પંચાયત દ્વારા પાણી અને લાઈટના કનેક્શન આપવામાં આવતા નથી. તેમણે TDOને ચીમકી આપતા જણાવ્યું કે, “જો કોઈ કામ ન થાય તો સરપંચને સસ્પેન્ડ કરો. લોકો મારી પાસે રજૂઆત લઈને આવે તે પહેલાં મને આ બાબતનું સચોટ પરિણામ જોઈએ.
આ બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિત નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI), જીઈબી (GEB), શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને સુડા (SUDA) સહિતના તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને સરકારી તંત્ર વચ્ચેના સંકલનને મજબૂત કરવા માટે આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ છે, જેમાં મંત્રીના આકરા વલણથી આળસુ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
