નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ લાખોનું એમડી ડ્રગ્સ પકડાયું
લાલગેટ પોલીસે મુંબઇથી ઘડિયાળની આડમાં લવાયેલા એમડી ડ્રગ્સ પકડ્યું
રાણીતળાવના યુવાનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની લાલગેટ પોલીસે મુંબઇથી ઘડિયાળની આડમાં લવાયેલા લાખોના એમડી ડ્રગ્સ સાથે રાણીતળાવના યુવાનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે લાલગેટ પોલીસે બાતમીના આધારે ઘડીયાળના વેપારીની આડમાં મુંબઇથી એમડી ડ્રગ્સ લઈને આવતા પેડલરને અશક્તા આશ્રમ પાસેથી 10 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડયો છે. પકડાયેલો પેડલર રાણીતળાવ ખાતે રહેતો 22 વર્ષીય રેહાન મુહમ્મદ યાકુબ મેવાવાલા છે. એમડી સાથે પકડાયેલો રેહાન પોતે ડ્રગ્સનો નશો કરવાની ટેવવાળો છે. અગાઉ મિત્રો સાથે ફરતો હતો તે વખતે તેને એમડીની લત લાગી હતી. અગાઉ વર્ષ 2023માં 6 ગ્રામ એમડી સાથે તે ખટોદરા પોલીસમાં પકડાયો હતો. લાલગેટ પોલીસે તેની પાસેથી 9 લાખ 95 હજારની કિંમતનો 99.57 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કર્યો હતો. એમડી ડ્રગ્સ તે ટ્રેન દ્વારા મુંબઈના કુર્લા ખાતેથી લાવતો હોવાની વાત પોલીસને જણાવી છે. આરોપી રેહાન મુહમ્મદ યાકુબ મેવાવાલા મુંબઇથી સસ્તામાં ઘડિયાળો લાવી તેને ઓનલાઇન વેચાણ કરતો હોવાની પણ કબુલાત કરી હતી. હાલ તો લાલગેટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.