હિરાબાના નામે દીકરીઓના શિક્ષણ માટે ઉદાર પહેલ
સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈનો સંકલ્પ
21,000 દીકરીઓને મળશે 7500 ની સહાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે “હિરાબા નો ખમકાર” અભિયાન હેઠળ અત્યાર સુધી 251 દીકરીઓને સહાય મળી છે અને ધનતેરસે વધુ ૧૫૧ ને મળશે લાભ
શિક્ષણ દ્વારા સમાજની ઉન્નતિનો સંદેશ આપતા સુરતના યુવા ઉદ્યોગપતિ પિયુષ ભૂરાભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે તેઓની માતા હિરાબાના નામથી “હિરાબા નો ખમકાર” શિર્ષક હેઠળ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ પિયુષભાઈએ 21,000 આર્થિક રીતે નબળી દીકરીઓને 7500 ની સહાય આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સહાયરૂપ રકમથી દીકરીઓને શાળા ફી. પુસ્તકો, યુનિફોર્મ અને જરૂરી શૈક્ષણિક સહાય મળશે. પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષિત કરવી એ સમગ્ર સમાજની પ્રગતિનું પ્રથમ પગથિયું છે. દીકરી મજબૂત બનશે તો કુટુંબ અને રાષ્ટ્ર મજબૂત બનશે. આ અભિયાનનો શુભારંભ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ તબક્કામાં 251 દીકરીઓને સહાય અપાઈ હતી. હવે આવનારા પનતેરસના શુભ અવસર પર વધુ 151 દીકરીઓને સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈનો જન્મ 21 એપ્રિલ, 1993 ના રોજ થયો હતો. હાલમાં તેઓ સુરત શહેરમાં ટેક્સટાઇલ, જમીન વેચાણ, બિલ્ડિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે. સમાજસેવાની ભાવના સાથે શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આવે.
