સુરતમાં ગટરીયા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
રાંદેરમાં આવેલ હનુમાન ટેકરીમાં ગટરિયા પાણીથી લોકો હેરાન
રાંદેરમાં હનુમાન ટેકરીમાં 5,000 જેટલા લોકો વસવાટ કરે છે
સ્થાનિક કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં
સુરતમાં હાલ કેટલાક સમયથી ગટરીયા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રાંદેર વિસ્તારમાં આવેલ હનુમાન ટેકરી વિસ્તારમાં ગટરિયા પાણીથી લોકો હેરાન થઈ ગયા હતાં.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી વિસ્તારના લોકો ગટરિયા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરત મહાનગર પાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા ફ્લડ ગેટમાં ગેરકાયદેસર ગટર કનેક્શન અપાયા છે. ગેરકાયદેસર ગટર કનેક્શન જોઈન્ટ કરતા તાપી નદીમાં ગંદુ પાણી ઠલવાય છે. ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ તેમજ સ્થાનિકોને ચામડીનો રોગ થયો છે. ગેરકાયદેસર ભૂતિયા ગટર કનેક્શનને લઈ અગાઉ વરિયાવના કેદારનું મોત થયું હતું. રાંદેરમાં હનુમાન ટેકરીમાં 5,000 જેટલા લોકો વસવાટ કરે છે. તમામ લોકો તાપી નદી પર માછીમારી કરી અને જીવન નિર્વાહ કરી રહ્યા છેય સતત ગંદા પાણીના કારણે તાપી નદીના માછલાઓ પણ મરી રહ્યા છે. સુરત મહાનગર પાલિકાની તાપી શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર હોય તેવો ઘાટ સર્જાયો છે. તાપી શુદ્ધિકરણના 700 કરોડના પ્રોજેક્ટ વચ્ચે રાંદેર વિસ્તારમાં કડવી વાસ્તવિકતા છે. તો સ્થાનિકો રજૂઆત કરવા જાય તો એક બે દિવસ પાણી બંધ રહે છે બાદમાં સ્થિતિ ઠેરની ઠેર થાય છે. સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગના ચેરમેન તેમજ સ્થાનિક કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરી છે જો કે તેમ છતાં અધિકારીઓ જાણે સ્થાનિકોની વાત ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે.