બારડોલીના ખલી ગામે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી

Featured Video Play Icon
Spread the love

બારડોલીના ખલી ગામે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી
કેદારેશ્વર મહાદેવ મંદિરે નેપાળી રુદ્રાક્ષના શિવલિંગ
રુદ્રાક્ષના શિવલિંગના દર્શનાર્થે ભક્તોનું મહેરામણ ઉમટ્યું

સમગ્ર દેશની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મહાશિવરાત્રીના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. બારડોલી તાલુકાના ખલી ગામે આવેલ પૌરાણિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન સ્વયંભૂ કેદારેશ્વર મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. શિવાલયો ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

આ વર્ષે કેદારેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં ખાસ નેપાળથી મંગાવવામાં આવેલા હજારો રુદ્રાક્ષ દ્વારા એક વિશાળ અને આકર્ષક શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અનોખા શિવલિંગના દર્શન કરવા માટે માત્ર બારડોલી જ નહીં, પરંતુ આસપાસના અન્ય તાલુકાઓમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ભક્તોએ કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહીને ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. મહાશિવરાત્રીના આ પાવન અવસરે છેલ્લા બે દિવસથી મંદિર ખાતે ધાર્મિક ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, શિવજીની આરાધના માટે કરવામાં આવેલા આ આયોજનનો હેતુ લોકકલ્યાણ અને વિશ્વ શાંતિનો છે. કેદારેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે, જે રુદ્રાક્ષમાંથી ભગવાન શિવનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે, તે રુદ્રાક્ષને પ્રસાદ સ્વરૂપે ભક્તોને વહેંચવામાં આવશે. આગામી સોમવારના રોજ આ પવિત્ર રુદ્રાક્ષનું વિતરણ કરવામાં આવશે, જેનો લાભ લેવા માટે પણ ટ્રસ્ટ દ્વારા ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રી નિમિત્તે મંદિરે સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્વયંસેવકો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. ભક્તો માટે ફરાળી પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *