80થી 100 ટકા વેરા વસૂલાત કરનારનો સન્માન સમારંભ યોજાયો
આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા
વેરા વસૂલાતથી ગ્રામ પંચાયતોના વિકાસ કાર્યોને વેગ મળશે.
માંડવી તાલુકા પંચાયત ખાતે શુક્રવારના રોજ 80 થી 100 ટકા વેરા વસૂલાત કરનાર ગ્રામ પંચાયતો માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2024-25 દરમિયાન માંડવી તાલુકાની કુલ 94 ગ્રામ પંચાયતોમાંથી 29 પંચાયતોએ 80% થી 100% વેરા વસૂલાતની સિદ્ધિ મેળવી છે. જેમાં લાખગામ, વેગી, વરેલી, ચોરાંબા અને ફળી પંચાયતોએ 100% વસૂલાત કરી છે. આ પંચાયતોના સરપંચ અને તલાટી-કમ-મંત્રીને મંત્રીના હસ્તે સન્માન પત્ર, ટ્રોફી અને રૂ. 5000/- નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અન્ય ૨૪ ગ્રામ પંચાયતોનું પણ સન્માન કરાયું હતું.
માંડવી તાલુકામાં કુલ 63.07% વેરા વસૂલાત થઈ છે, જેમાં ગત વર્ષ કરતાં 7% નો વધારો નોંધાયો છે. મંત્રીએ આગામી વર્ષે 100% વસૂલાત કરનાર પંચાયતોને પણ રૂ. 5000/- પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. આ વેરા વસૂલાતથી ગ્રામ પંચાયતોના વિકાસ કાર્યોને વેગ મળશે.