સુરતના ઉધના વિસ્તારમાં દીકરાએ વૃદ્ધ માતાની હત્યા નિપજાવતા ચકચાર
પુત્રએ દિવ્યાંગ પિતા પર હુમલો કરતા માતા વચ્ચે પડી હતી
પુત્રએ જોરથી ધક્કો મારતા પટકાયેલા માતાનું મોત
સુરતના ઉધના વિસ્તારમાં હેડગેવાર પાસે આવેલા વાત્સલ્ય એવન્યુમાં દીકરાએ વૃદ્ધ માતાની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. પુત્રએ દિવ્યાંગ પિતા પર હુમલો કરતા માતા વચ્ચે પડ્યા હતા. પુત્રએ જોરથી ધક્કો મારતા પટકાયેલા માતાનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો આરોપી પુત્રની ધરપકડ કરી હતી.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા હેડગેવાર પાસેના વાત્સલ્ય એવન્યુમાં એક ચોંકાવનારી ઘટના બની છે. રવિવારે રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં આરોપી મેહુલ ઉર્ફે મોન્ટુ વાણિયાએ ઘરમાં ખાવા જેવી ક્ષુલ્લક બાબતે હોબાળો મચાવ્યો હતો. મેહુલે તેની 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન અને પિતા હર્ષદભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તેની ફરિયાદ હતી કે તેના માટે અને તેની દીકરી હિયા માટે જમવાનું કેમ નથી બનાવ્યું? આ નાની એવી વાત જોતજોતામાં હિંસક બની ગઈ હતી. આવેશમાં આવીને મેહુલે તેના પિતા હર્ષદભાઈ પર હુમલો કરી દીધો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે મેહુલ તેના વૃદ્ધ પિતાનું ગળું દબાવવા લાગ્યો હતો. પિતાને તરફડતા જોઈને 70 વર્ષીય માતા પ્રતીક્ષાબેન પોતાના પતિને બચાવવા વચ્ચે પડ્યા હતા. પુત્રનો ગુસ્સો એટલો સાતમા આસમાને હતો કે તેણે પોતાની સગી માતા સાથે પણ ઝપાઝપી કરી હતી.
મેહુલે પ્રતીક્ષાબેનને એટલા જોરથી ધક્કો માર્યો કે તેઓ છાતીના ભાગે નીચે પટકાયા હતા. જમીન પર પટકાતાની સાથે જ પ્રતીક્ષાબેન બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ પેરામેડિકલ સ્ટાફે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતાં. ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક પ્રતીક્ષાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આરોપી મેહુલ ઉર્ફે મોન્ટુ વાણિયા વિરુદ્ધ પોતાની જ માતાની હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.
