ગોંડલમાં 18 જૂને દલિત મહાસંમેલન મળશે
વકીલ દિનેશ પાતરને ન્યાય અપાવવા એક લાખ લોકો એકઠા થશે
કથિત રીતે ખોટા કેસમાં ફસાવવાના વિરોધમાં યોજાશે દલિત મહાસંમેલન
ગોંડલમાં આગામી 18 જૂને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક મોટા મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંમેલન વકીલ દિનેશ પાતરને પોલીસ દ્વારા કથિત રીતે ખોટા કેસમાં ફસાવવાના વિરોધમાં યોજાશે.
રાજકોટ ગોંડલમાં વકીલ દિનેશ પાતરની ધરપકડ બાદ તેમની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે આરોપ મૂક્યો છે કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. બે પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર અને ઓડેદરા વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિ સમાજના આગેવાન દેવદાન મુછડિયાએ સંમેલનની જાહેરાત કરી છે. તેમણે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજીને સંમેલનની રૂપરેખા તૈયાર કરી છે. આયોજકોનો દાવો છે કે આ સંમેલનમાં એક લાખ જેટલા લોકો ઉપસ્થિત રહેશે. ચોક્કસ લોકોના ઇશારે વકીલ દિનેશ પાતરને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ દિનેશ પાતરને ન્યાય અપાવવાનો અને પોલીસ દ્વારા થતી કથિત હેરાનગતિનો વિરોધ કરવાનો છે.
સંમેલનને સફળ બનાવવા માટે મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે. લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમને સંમેલનના ઉદ્દેશ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ સંમેલન ગોંડલ અને આસપાસના વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમુદાયની સુરક્ષા અને ન્યાયના મુદ્દે મહત્વપૂર્ણ બની શકે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી