વિસાવદરની પેટાચૂંટણીમાં ખાતરનો મુદ્દો જામ્યો
ઇટાલિયાના આક્ષેપ પર રાદડિયાનો જવાબ
‘ખાતર માટે કિરીટ પટેલને નહીં, મને કહેજો, હમણાં જ 700 ટન પહોંચાડ્યું
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ રાજકીય ગરમાગરમી વધી રહી છે. વિસાવદર વિસ્તાર ખેતી આધારિત હોવાથી ખેતી સંબંધિત મુદ્દાઓ ખાસ કરીને ખાતર, પાણી અને બજાર ભાવને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ખાતરનો મુદ્દો જામ્યો છે ત્યારે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ખાતરના મુદ્દાને લઇને ભાજપ અને ખાસ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર વરસી રહ્યા છે, જેનો આજે જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ભાજપ પર આક્ષેપ કરતાં ચૂંટણીપ્રચારમાં જણાવી રહ્યા છે કે પ્રતિબંધિત દારૂ ગમે ત્યાં મળી જાય છે, પણ ખેડૂતોને ખાતર નથી મળતું. જેનો જવાબ આપતાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે ખાતરનો કોઇ પ્રશ્ન જ નથી. કિરીટ પટેલના નામની જાહેરાત નહોતી થઇ ત્યારે વિસાવદર-ભેંસાણમાં 700 ટન ખાતર પહોંચાડ્યું હતું અને ખાતર માટે તમારે કિરીટ પટેલને નહીં, મને કહેવાનું, હું ખાતર પહોંચાડીશ.
વિસાવદરની પેટાચૂંટણીમાં કિરીટ પટેલને જિતાડવા માટે ભાજપે દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી છે, જેમાં કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા તેમજ ધારાસભ્યો ભગવાનજી કરગઠિયા અને દેવા માલમ સહિત અનેક આગેવાનો ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય છે. ચૂંટણીપ્રચારમાં વોર્ડ કક્ષાની બેઠકોથી લઈ પદયાત્રાઓ, ગામચોરો, પ્રતિનિધિઓના સંવાદ તેમજ યુવા મોરચાની સભાઓ યોજાઈ રહી છે. બીજી તરફ, ગોપાલ ઇટાલિયાને જિતાડવા વિસાવદર વિધાનસભા ક્ષેત્રમાં સવારથી લઇ મોડીરાત સુધી આમ આદમી પાર્ટીનાની સભાઓ યોજાઇ રહી છે. ઇસુદાન ગઢવી, મનોજ સાગઠિયા, રાજુ કરપડા, કરશનદાસ બાપુ સહિત ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આપના કાર્યકર્તાઓની ટીમો મોકલાઈ છે, જે લોકોની સીધી મુલાકાત લઈ મત આપવા અપીલ કરી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી