ભાવનગરને ₹738.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત ભાવનગરને વિકાસકાર્યોની મોટી ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાને રૂપિયા 738.09 કરોડના 79 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું. આ સાથે રૂપિયા 33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.
ભાવનગરમાં ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત વિકાસકાર્યોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાવનગર શહેર અને જિલ્લાને રૂપિયા 738.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી. વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે રૂપિયા 33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. ભાવનગર મહાનગરપાલિકાના રૂપિયા 621.63 કરોડના 30 વિકાસકામો, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના રૂપિયા 13.19 કરોડના એક કામ, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના રૂપિયા 57.03 કરોડના 46 કામો તેમજ પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓના રૂપિયા 13.24 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. **SPEECH – CM ભૂપેન્દ્ર પટેલ:** મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિકાસની સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને છેવાડાના માનવીની સુખાકારી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. તેમણે ભાવનગરની સ્વચ્છતાની પ્રશંસા કરતા સ્વચ્છ શહેરના નિર્માણ માટે નાગરિકોની જનભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી હતી. સાથે જ ‘કેચ ધ રેઇન’ જેવી પહેલોને જનભાગીદારીથી આગળ ધપાવવા અને વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભજળના રિચાર્જ માટે આયોજનબદ્ધ પ્રયાસો કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે પર્યાવરણ અને સંસ્કૃતિના જતન પર પણ ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે નવી કલેક્ટર કચેરી આધુનિક સુવિધાઓ સાથે નાગરિકોને ઝડપી સેવાઓ પૂરી પાડશે. તેમણે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને ભાવનગર માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમજ SIPPA કેન્દ્ર અને નારી ખાતે STPI માટે જમીન ફાળવણીથી યુવાનો માટે નવી તકો ઊભી થવાની વાત કરી હતી. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવવા રૂપિયા 650 કરોડના બ્રિજ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. આ પ્રોજેક્ટથી શહેરના ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે રાજકોટ, સોમનાથ અને ધોલેરા સહિતના વિસ્તારો સાથેની અવરજવર વધુ સરળ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.કાર્યક્રમમાં પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
