સુરતમાં ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રીને લખ્યો પત્ર,
રત્ન કલાકારો માટે શિક્ષણ સહાયમાં સુધારાની કરી માંગ
હીરા ઉદ્યોગમાં મજુર કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનો ઉલ્લેખ કરાયો
ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ રત્નકલાકારોના બાળકો માટે શિક્ષણ પેકેજ જાહેર કર્યો છે જેમાં સુધારો કરવાની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખાયો છે. તો સાથે રત્નકલાકારોનો સર્વે કરી સહાય આપવા પણ માંગણી કરાઈ છે.
છેલ્લા ત્રણ વર્ષથી મંદીમાં સપડાયેલા હિરા ઉદ્યોગના રત્નકલાકારો આર્થિક રીતે તુટી ગયા છે ત્યારે રત્નકલાકારોની વારંવારની માંગ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ રત્નકલાકારોના બાળકો માટે શિક્ષણ પેકેજ સાથે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. જેને રત્નકલાકારોએ આવકાર્યો છે. જો કે ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. અને જણાવ્યુ હતું કે હીરા ઉદ્યોગના બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે સરકારે જાહેર કરેલા શિક્ષણ પેકેજમાં સુધારો કરવો જોઈએ. 13,500 રૂપિયાના બદલે સંપૂર્ણ ફ્રી સરકાર ભરે એવી માંગણી આ પત્રમાં કરવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં મજુર કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો છે. ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોનો સર્વે કરી સહાય આપવાની માંગણી કરી હતી. રત્નકલાકારને કાયદાકીય રીતે રત્નકલાકાર સાબિત કરવું અઘરું કામ છે તેથી યોજનામાં માંગવામાં આવતા પુરાવાઓમાં પણ છૂટછાટ આપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા અત્યાર સુધીમાં રત્નકલાકારની કોઈ પણ નોંધણી કરવામાં આવી નથી તો કઈ રીતે રત્નકલાકાર આ તમામ પુરાવા લાવશે તે બાબતેની રજૂઆત પણ સરકારને કરવામાં આવી હોવાનું ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંકએ કરી હતી.