સુરતમાં બેસવામાં અગવડ થાય છે કહી રિક્ષામાં ચોરી કરતી ગેંગ
પાસા સહિત 20 ગુનામાં સંડોવાયેલો મુખ્ય સૂત્રધાર હાજી લંગડો સહિત ચાર શખસોની ધરપકડ
પોલીસે ટોળકી પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી તેમના ખિસ્સા હળવા કરતી ટોળકીના વધી રહેલા આતંક વચ્ચે ખટોદરા પોલીસે રીક્ષામાં મુસાફરોને બેસાડી તેમના દાગીના સહિતની ચોરી કરતી ટોળકીના મુખ્યા સહિત ચારને ખટોદરા પોલીસે ઝડપી પાડી ટોળકી પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી રીક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી અને મુસાફરોના દાગીના સહિતની બેગની ચોરી કરતી ટોળકીનો આતંક જોવા મળી રહ્યો છે જેને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન ફોર વિજયસિંહ ગુર્જર અને મદદનીશ પોલીસ કમિશનર એચ ડીવીઝન ઝેડ.આર. દેસાઈના માર્ગદર્શન હેઠળ ખટોદરા પી.આઈ. બી.આર. રબારી તથા સેકન્ડ પી.આઈ. સી.કે. નીનામાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પી.એસ.આઈ. આર.જી. રાઓલની ટીમના એ.એસ.આઈ. મહાવીરસિંહ સુરેન્દ્રસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બાબાભાઈ રઘુભાઈને મળેલી બાતમીના આધારે રીક્ષામાં મુસાફરોને બેસાડી સોના ચાંદીના દાગીના ચોરી કરતા ગેંગના મુખ્ય રીઢા આરોપી સફરૂદ્દીન ઉર્ફે હાજી લંગડા અઝીઝ શેખ તથા તેના ત્રણ સાગરીતો શાકીર ઉર્ફે પોપટ મહેબુબ શેખ, ઈરફાન નિયાઝઅલી સૈયદ અને રફીક શેખને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા તથા રિક્ષા મળી 2 લાખ 81 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.