દાહોદ-મુખ્યમંત્રીશ્રી ગરબાડા મૂલાકાત બીજો દિવસ
ગરબાડા પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી ખેડૂતના ઘરે પહોંચ્યા
ખેડૂત પરિવાર સાથે ખેતી અને બાળકોના અભ્યાસ અંગે સંવાદ કર્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આદિજાતિ વિસ્તાર ગરબાડાની મૂલાકાતના બીજા દિવસે એક અદના આદિજાતિ ખેડૂતના ઘરે સાવ અચાનક જ જઈ પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રતનમહાલ પ્રોજેક્ટની મૂલાકાત લઈને ગરબાડા જવાના રૂટમાં આવતા પીપર ગોટા ગામે ઓચિંતી જ કાર થોભાવી દીધી હતી અને આ નાનકડા આદિવાસી ગામના કાચા રસ્તા ખૂંદતા મુખ્યમંત્રીશ્રી આદિજાતિ ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા. એટલુ જ નહિ, તેમણે બકુલભાઈ અને પરિવાર સાથે મકાઈની ખેતી તથા આજીવિકા અંગે વાતચીત કરીને વિગતો મેળવી હતી. પરિવારના બાળક સાથે પણ વડિલ વાત્સલ્ય ભાવથી મુખ્યમંત્રીશ્રીએ તેના અભ્યાસ અને શાળા વિષે વાતચીત કરી હતી. પીપર ગોટા જેવા નાનકડા ગામના આદિવાસી કસબામાં મુખ્યમંત્રીશ્રીના આગમન અને શ્રી ભૂપેન્દ્ર પટેલની સાવ સાહજિક અને સરળ શૈલીથી આદિવાસી પરિવારોએ આપણા ભૂપેન્દ્ર દાદા આપણા ઘરે હાલ ચાલ પુછવા આવ્યા તેવી અદમ્ય લાગણી અનુભવી હતી..
