સુરતના કીમમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો
પ્રતિમા પર અન્ય ધ્વજ ફરકાવાતા અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ
સમસ્ત ગુજરાત અનુસૂચિત જાતિ સમાજે કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદન પાઠવ્યું
સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી
સુરતના કીમમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો હોય તેમ પ્રતિમા પર અન્ય ધ્વજ ફરકાવવામાં આવતા અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સમસ્ત ગુજરાત અનુસૂચિત જાતિ સમાજે કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સમાજના આગેવાનોએ પ્રતિમા પરથી અન્ય ધ્વજ ઉતારી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની માંગ કરી છે. સાથે જ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને પ્રતિમા હટાવવા અંગે માર્ગ-મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલા હુકમો રદ કરવાની માંગ ઉઠાવી છે. સમાજે તંત્રને 18 નવેમ્બરની રાત સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો 20 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે ગુજરાતભરમાંથી આંબેડકરી સમાજ કીમમાં એકત્ર થવાની ચીમકી આપી છે. એટલું જ નહીં, કલેક્ટર કચેરી સામે આત્મવિલોપનની ચીમકીથી તંત્રમાં પણ ચિંતા વ્યાપી છે.
