ખેડાના માતર તાલુકામાં વરસાદથી ખેતરોમાં નુકસાન
ખેતરોમાં 7 થી 8 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા
48 કલાક બાદ પણ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ
માતર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યાના 48 કલાક વીતી ગયા હોવા છતાં ખેતરોમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ યથાવત જોવા મળી રહી છે.
ખેડા જિલ્લાના માતર તાલુકામાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ ન થવાના કારણે હાલ પણ અનેક ખેતરોમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયેલા રહ્યા છે. ખેડાના અલગ અલગ કાંસ મારફતે પાણી બામણગામ તરફ વહી આવતાં સમગ્ર વિસ્તારના ખેતરો જળમગ્ન બન્યા છે. આ પૂર જેવા પાણીના કારણે વિસ્તારના ખેડૂતોને પોતાના પાકમાં વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ વિસ્તારના ખેડૂતોએ ભારે જહેમત ઉઠાવીને તેમજ ઊંચકીને પાણીની લાઈન લંબાવીને ડાંગરનું ધરુ તૈયાર કર્યું હતું. વાવેતર માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયેલા આ ધરુવાળા ખેતરોમાં જ અચાનક વરસાદી પાણી ફરી વળ્યા હતા. સતત પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને ડાંગરનું તમામ ધરુ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. ખેતરોમાં પાણીનો ભરાવો દૂર ન થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે.
ખેતી વિષયક નિષ્ણાતો અને સ્થાનીય સ્થિતિ મુજબ ડાંગરના ધરુમાં ત્રણ દિવસથી વધુ સમય સુધી પાણી ભરાયેલા રહે તો છોડને પૂરતો ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે. ઓક્સિજનના અભાવે ધરુ સડી જાય છે અને સંપૂર્ણ રીતે નષ્ટ પામે છે. માતર અને આસપાસના ગામોમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ત્રણ દિવસ કરતા વધુ સમયથી પાણી ભરાયેલા રહેવાના કારણે મોટા પાયે ધરુ બળીને ખાખ થઈ ગયું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
