રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ માટે લડતના મંડાણ
સૌરાષ્ટ્રભરના બાર એસો.ના હોદ્દેદારોની મહત્વની બેઠક
બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની મહાહડતાલનું એલાન
રાજકોટમાં શનિવારે મળેલી સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની મહાબેઠકમાં આગામી બુધવારે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની અદાલતોમાં એક દિવસીય હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ખાતે હાઈકોર્ટની બેંચ સ્થાપવાની વર્ષોથી ચાલતી માંગણીને વધુ તીવ્ર બનાવવા માટે 60 જેટલા બાર એસોસિયેશનો આ હડતાલમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સૌરાષ્ટ્રના ત્રણ સભ્યો તેમજ જામનગરના વકીલ મનોજભાઈ અનડકટ અને એડવોકેટ અમૃતા ભારદ્વાજ સહિતના વકીલ આગેવાનો આ મહાબેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશભાઈ પટેલે જણાવ્યા મુજબ, ચર્ચા-વિચારણા બાદ બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લા અને તાલુકાની અદાલતોમાં વકીલો હડતાલ પાડશે અને કોર્ટની કાર્યવાહીથી દૂર રહેશે. આ દિવસ દરમિયાન તાલુકા કક્ષાએ ડેપ્યુટી કલેક્ટર અથવા મામલતદાર અને જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રાજકોટને હાઈકોર્ટની બેંચ મળે તેવી મજબૂત માંગણી કરવામાં આવશે. રાજકોટ બાર એસોસિયેશને આ લડતની આગેવાની કરતા બીડું ઝડપ્યું છે. આ ઐતિહાસિક માંગ માટે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બારના પ્રમુખોને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
વકીલોના જણાવ્યા અનુસાર, કચ્છ, પોરબંદર જેવા દૂરના શહેરોમાંથી હાઈકોર્ટ માટે અમદાવાદ જતા પક્ષકારો અને વકીલોનો આખો દિવસ મુસાફરીમાં વ્યર્થ જાય છે, જેમાં સમય, શક્તિ અને નાણાનો મોટો ખર્ચ થાય છે. જો રાજકોટમાં હાઈકોર્ટની બેંચ સ્થપાય તો જુનાગઢ, વેરાવળ, રાજકોટ, જામનગર અને મોરબી સહિતના વકીલોનું કામ અમદાવાદ જતું અટકશે અને તેઓ સ્થાનિક કક્ષાએ જ પોતાની રજૂઆત કરી શકશે. હાઈકોર્ટ બેંચની આ અગ્રતાને ધ્યાનમાં રાખીને હડતાલનું એલાન કરવામાં આવ્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
