સુરતમાં રથયાત્રા પહેલા ગુનાખોરી વધી
એક જ દિવસમાં બે હત્યાના બનાવોથી શહેરમાં સનસનાટી
ડિંડોલી બાદ ઉધના પોલીસ મથકની હદમાં હત્યા
સુરતમાં રથયાત્રા પહેલા ગુનાખોરી વધી રહી હોય તેમ એક જ દિવસમાં બે હત્યાના બનાવોથી શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ડિંડોલી બાદ ઉધના પોલીસ મથકની હદમાં જૂની અદાવત લોહિયાળ બની હોય તેમ તીક્ષ્ણ હથિયારોથી થયેલા હુમલામાં એકનું મોત નિપજ્યુ હતુ જ્યારે બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં હાલ તે જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો છે.
સુરત શહેર રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ઘટના બની હતી. સવારે ડિંડોલીમાંથી હત્યા કરાયેલી લાશ મળ્યા બાદ મોડી સાંજે ઉધના રોડ નંબર 9, અશોક સમ્રાટ નગર વિસ્તારમાં જૂની અદાવતને લઈને બે જૂથો સામસામે આવી ગયા હતા. બોલાચાલી બાદ મામલો એટલો ઉગ્ર બન્યો કે બંને તરફથી તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં લકી નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્યારે જાવેદ નામનો અન્ય ઈસમ ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો સ્થળે પહોંચી ગયો હતો. અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. રથયાત્રા જેવા મોટા તહેવાર પહેલા શહેરમાં એક જ દિવસમાં બે હત્યાના બનાવો બનતા સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.
