રાજકોટ લોકમેળાના સ્થળનો વિવાદ
ધારાસભ્ય દર્શિતા શાહે અટલ સરોવર પાસે મેળો યોજવા માગ કરી,
સામાજિક આગેવાને કહ્યું ગરીબ અને મધ્યમવર્ગના લોકો લૂંટાશે
રાજકોટમાં જન્માષ્ટમીમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો આ વખતે સતત બીજા વર્ષે ચકડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટના મેળામાં ગત વર્ષે રાઇડસ ધારકો માટે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સહિતની બાબતો ફરજિયાત બનાવવામાં આવતા બબાલ થઈ હતી ત્યારે આ વર્ષે હાલ રેસકોર્સ મેદાનમાં જે લોકમેળો યોજાઈ રહ્યો છે તે વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ છેલ્લા એક વર્ષથી આ મેળાનું સ્થળ બદલીને સ્માર્ટ સીટી ગણાતા અટલ સરોવર પાસે યોજવા માટેની માંગણી કરી રહ્યા છે. તેની સામે રાજકોટ શહેરના સમાજ અને નગર શ્રેષ્ઠી પરષોત્તમ પીપળીયા પડ્યા છે. તેમને લોકમેળાનું સ્થળ બદલવા સામે વિરોધ કર્યો છે અને આ મેળો રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાનમાં જ યોજવા માટે માંગણી કરી છે. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઇને ધારાસભ્ય દર્શિતા શાહે જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં દર વર્ષે યોજાતા લોકમેળામાં લાખો લોકોની ભીડ ઉમટી પડે છે અને આ દરમિયાન મેળો પણ યોગ્ય રીતે યોજાઇ શકાતો નથી આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જેને લઈને વિસ્તારવાસીઓની પણ વર્ષોથી ફરિયાદ છે
જ્યારે આ મામલે રાજકોટના નગર શ્રેષ્ઠી અને જાગૃત નાગરિક પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે, શહેરના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીમાં યોજાતો લોકમેળો આસપાસના ગ્રામજનો અને તાલુકા મથકના લોકો દર વર્ષે માણી રહ્યા છે. જેથી આ મેળા માટે રાજકોટ શહેરની મધ્યમાં આવેલા મેદાન હોય તે આવશ્યક છે એટલે કે રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાનમાં લોકમેળો યોજવો જોઈએ. કારણકે ગરીબ વર્ગના લોકોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ન કરવો પડે. જો રાજકોટ શહેરની બહાર એટલે કે સાત કિલોમીટર દૂર લોકમેળો યોજવામાં આવે તો ગરીબ લોકોને તગડા રીક્ષા ભાડા ચૂકવવા પડે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હાલ બે છેડા ભેગા કરવા પણ ખૂબ જ મુશ્કેલ બન્યા છે ત્યારે જન્માષ્ટમીનો લોકમેળો બહાર લઈ જવાને બદલે હાલ જે જગ્યાએ યોજાય છે તે રેસકોર્ષ મેદાન અથવા તો શાસ્ત્રી મેદાનમાં જ યોજાવો જોઈએ તેવું મારું સ્પષ્ટ માનવું છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી