આર્થિક રીતે સમૃદ્ધ મનાતું રાજ્ય એટલે ગુજરાત છે છતાં વર્ષોથી રાજ્યમાં કુપોષણની સમસ્યા સામે છે. એક તરફ રાજ્યમાં બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે તો બીજી તરફ મેદસ્વીતા ધરાવતાં બાળકોની સંખ્યા વધી રહી છે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં વર્ષ 2022 ની તા.21 સુધીમાં 30 જિલ્લામાં 1,25,000 કુપોષિત બાળકો છે. તો બીજી તરફ નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે – 5 અનુસાર વર્ષ 2015-16 થી વર્ષ 2018-19 દરમિયાન સ્થૂળતા ધરાવતા બાળકોની સંખ્યા રાજ્યમાં બમણી થઈ છે. નિષ્ણતોના મત મુજબ બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ ભારતભરમાં વધી રહ્યું છે અને આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો તે રોગચાળાની જેમ ફેલાતું રહેશે.
ગુજરાતમાં વિરોધાભાસી ચિત્ર સર્જાયું છે જ્યાં એક તરફ કુપોષિત બાળકોની સંખ્યા છે અને બીજી તરફ બાળકોમાં મેદસ્વીતાની સમસ્યા વધી રહી છે. માત્ર ગુજરાત જ નહીં પણ ભારતના કેટલાંક રાજ્યોમાં પણ મેદસ્વી બાળકોની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો છે. શહેરી વિસ્તારમાં 5 વર્ષથી ઓછી વયજૂથના મેદસ્વી બાળકોનું પ્રમાણ 4.6 ટકા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 3.5 ટકા છે. ભારતમાં અંદાજિત 23 ટકા પુરુષો અને 24 ટકા મહિલાઓનો બીએમઆઈ – BMI 25 અથવા એનાથી વધુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આવી વ્યક્તિઓને ‘ઓવરવેઇટ’ એટલે કે વધારે વજન ધરાવતી વ્યક્તિ અથવા તો સ્થૂળ કહેવામાં આવે છે.
હેલ્થ નિષણાતોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગ્રામ્ય કરતા શહેરોમાં સ્થૂળતાની સમસ્યા વધુ રહેતી આવી છે. બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધવાના કારણોમાં પહેલું કારણ બાળકોની ખાનપાનની આદત છે જેમાં જંકફૂડ ખુબ જ મોટું પરિબળ છે. મોટા ભાગે બાળકો જંકફૂડ ખાતા હોય છે અને એનાથી વજન વધી જાય છે.
તો બીજું કારણ શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતી હોવાનું માલુમ પડ્યું છે. જે બાળક ઘરમાં જ રહે છે અને કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરે તેને સ્થૂળતા જલ્દી આવે છે જે માટે બાળકોએ આઉટડોર ગૅમ અને ઇતર પ્રવૃત્તિઓ કરવી જોઈએ.
ત્રીજું કારણ વારસાગત સમસ્યા હોઈ શકે છે જેમાં માતા પિતાને કોઈ સમસ્યા રહી હોય તો એ સમસ્યા બાળકમાં જોવા મળે છે. પહેલાં કરતાં હવે જીવન વધુ તણાવયુક્ત થતા માતા પિતામાં હાઇપર ટૅન્શન હોવાથી બાળકોમાં પણ ઊતરી આવે તેવું બની શકે છે
મેદસ્વી પણુ અટકાવવા બાળકોને શક્ય હોય ત્યાં સુધી ઘરે બનેલું ભોજન આપવું. પાંઉભાજી – ઢોસા જેવી વસ્તુ ઘરે જ સારા તેલ કે બટરમાં બનાવી આપવી તેમજ વીડિયો ગૅમને બદલે ઘરની બહાર મોકલીને ક્રિકેટ – કબડ્ડી જેવી શારીરિક કસરત થતી રમતો રમાડવી જોઈએ જેથી બાળકમાં સ્થૂળતાનું પ્રમાણ ઘટી શકે છે.
ગુજરાતના આદિવાસી ડાંગ – આહવાના વિસ્તારોમાં કુપોષણ – એનિમિયાની સમસ્યા છે જ્યારે સુરત જેવાં શહેરોમાં સ્થૂળતાની સમસ્યા જોવા મળે છે. છોકરા અને છોકરીઓ બંનેમાં સ્થૂળતાનું પ્રમાણ સરેરાશ સરખું છે. શ્રીમંત પરિવારના બાળકની જીવનશૈલી વૈભવી છે ત્યાં આ સમસ્યાનું પ્રમાણ ખાસ જોવા મળે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના વર્ષ 2019 – 21 સુધીમાં 5 વર્ષથી ઓછી ઉંમરના 3.4% બાળકો મેદસ્વી છે જે 2015 – 16 માં 2.1% હતા. યુનિસેફના વર્લ્ડ ઓબેસિટી એટલાસ અનુસાર 2030 સુધીમાં ભારતમાં સ્થૂળકાય બાળકોની સંખ્યા વધીને 2.7 કરોડ થઈ જવાની શક્યતા છે. બાળરોગ વિશષજ્ઞોના જણાવ્યા અનુસાર બાળકોને વધારે ચરબી યુક્ત – ગળ્યાં અને ઠંડા પીણાં વધારે આપવામાં આવે છે જેને બંધ કરવા જોઈએ.