જૂનાગઢમાં બુટલેગર ધીરેન કારીયાના બોગસ સીમકાર્ડ નેટવર્કનો પર્દાફાશ
ધીરેન કારીયા સુધી પોલીસ પહોંચી ન શકે તે માટે કાવતરું
ધીરેન કારીયાની પત્ની અને દીકરો બોગસ સીમકાર્ડનો ઉપયોગ કરતાં
ગુજરાત રાજ્યના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા હાલ જૂનાગઢના ગુજસીટોક કેસમાં ફરાર છે અને તેને પકડવા માટે પોલીસ પાછળ પડી છે, ત્યારે આજે પોલીસને એક એવી હકીકત મળી, જેમાં પોલીસ ચોંકી ઉઠી છે, ફરાર આરોપીને મદદ કરવા માટે ઉપયોગમાં લેવાના હેતુથી સંગ્રહ કરીને રાખેલા ગુજરાત બહારના 1001 એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડના જથ્થા સાથે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાધનપુરના એક વેપારી અને બુટલેગરના પુત્રની ધરપકડ કરી છે.
જૂનાગઢના ગુજસીટોક કેસમાં ફરાર બુટલેગર ધીરેન કારીયા સામે પોલીસે ગુજસીટોકનો ગુન્હો દાખલ કર્યો હતો અને તેને પોલીસ શોધી રહી હતી, જે તપાસમાં જૂનાગઢ એલસીબી પી.આઈ જે.જે.પટેલને હકીકત મળી જેના આધારે બુટલેગરના પુત્ર પરમ ધીરેન કારીયાને ઝડપી લેવાયો અને એનો મોબાઈલ ચેક કરતા તેમાં રાજ્ય બહારના એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડ મળી આવ્યા હતા. જેની તપાસમાં આ સીમકાર્ડ તેણે પોતાના કુટુંબી મામા સંદીપ ઉર્ફે બંટી મારફતે બહારના રાજ્યથી ધરમ ઉર્ફે ધવલ વૃંદાવન રતિલાલ મીઠીયા મારફત મેળવ્યા હતા. જે અંગે ગત 30 મેના રોજ પોલીસે બી ડિવીઝન પોલીસમાં જાણવા જોગ એન્ટ્રી કરીને વધુ તપાસ શરુ કરી હતી અને તે તપાસમાં પાટણના રાધનપુરમાં અમીપુરાના મોબાઈલના ધંધાર્થી ભરત શંકર પરમારને ત્યાં જૂનાગઢ એલસીબીએ સર્ચ કરતા અહીંથી 1001 જેટલા એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કર્યો અને આ કેસમાં હાલ ભરત પરમાર અને ધીરેનના પુત્ર પરમ કારીયાની એલસીબીએ ધરપકડ કરીને બી ડિવીઝનમાં ગુન્હો નોંધાવ્યો અને આગળની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે.
આ ગુન્હો અતિ ગંભીર છે, જેમાં રાજ્ય બહારના એક્ટીવેટેડ બોગસ સીમકાર્ડનો જથ્થો મળી આવ્યો છે અને જેમાં બોગસ સીમકાર્ડનો રાજ્ય વ્યાપી રેકેટ પણ ચાલતું હોવાનું આશંકાને લઈને સમગ્ર મામલાની તપાસ હવે જૂનાગઢ એસઓજી કરી રહી છે. ત્યારે આ કેસમાં ધીરેન કારીયાની પત્ની નિશાબેન કારીયા સાથે ભરથ અંબુલા, ચંદનકુમાર મોહનંતી, સંદીપ ઉર્ફે બંટી જગદીશ અઢીયાની પણ સંડોવણી સામે આવતા તેની પણ પોલીસ અટકાયત કરશે. નિશાબેન જૂનાગઢ મનપામાં ભાજપના પૂર્વ નગરસેવિકા તરીકે ચૂંટાયા હતા…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
