સુરત લિંબાયતમાં લગ્ન પ્રસંગમાં લોહીની હોળી,
લિંબાયતમાં શાંતિનગર પોલીસ ચોકી પાસે જ યુવક પર ફાયરિંગ
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શાંતિનગર પોલીસ ચોકીની બિલકુલ નજીક આવેલી ગલીમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લિંબાયત વિસ્તારમાં ગત રાત્રે એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ગીત-સંગીત અને ખુશીના માહોલ વચ્ચે અચાનક ગોળીબારનો અવાજ સંભળાતા દોડધામ મચી ગઈ હતી, લગ્નના મંડપ પાસે જ પિન્ટુ નામના યુવકને નિશાન બનાવી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં પિન્ટુને પગના ભાગે ગોળી વાગી હતી. સારવાર લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે આ હુમલો શાંતિનગર પોલીસ ચોકીની બાજુની ગલીમાં જ બન્યો છે. પોલીસની હાજરી હોવા છતાં ગુનેગારોએ નિર્ભય બનીને ફાયરિંગ કર્યું, જે સુરત પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કરે છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરી હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
