સુરત વોર્ડ-18 માં કોંગ્રેસ ઉમેદવારનો દગો,
દીકરીને રડતી જોઈ માતાનો હૃદયદ્રાવક આક્રોશ
મારી પોરી પૈસાની લુચ્ચી નથી, એ ઇજ્જતવાળી છે,
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18 લિંબાયત-પરવત કુંભારિયામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધર રામાનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેતા પક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો થયો છે. આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડને લાગ્યો છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18 લિંબાયત-પરવત કુંભારિયામાં કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધર રામાનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેતા પોતાની દીકરી પ્રકૃતિ નરેશ રાઠોડને ચોધાર આંસુએ રડતી જોઈને તેની માતાનો સંયમ તૂટી ગયો હતો. તેમણે જાહેરમાં આક્રોશ ઠાલવતા સંજય રામાનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો અને એક મધ્યમવર્ગીય દીકરીની મહેનત પર પાણી ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. ઉમેદવારની માતાએ ભારે હૈયે અને ગુસ્સામાં નિવેદન આપ્યું હતું કે, આજે એણે (સંજયે) મારી પોરીનું માન ન રાખ્યું. મેં આ માણસ માટે કેટલી મહેનત કરી હતી, તમને ખબર છે ? લોકસભાની ચૂંટણી વખતે મેં એની ઈજ્જત રાખેલી, એના માટે દેવ-દેરા કરી કરીને હું મરી ગઈ, પણ આજે એણે જ મારી દીકરી અને મારા દીકરાને રડાવ્યા છે. માતાનો આ આક્રોશ બતાવી રહ્યો હતો કે, રાજકારણની પેનલમાં જે વિશ્વાસ હોવો જોઈએ, તેનો સંજયે ઘોર અનાદર કર્યો છે
માતાએ સોદાબાજીના ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, આજે એમની પાસે પૈસાવાળા છે એટલે આ ખેલ ખેલ્યો છે. મારી પોરી વગર પૈસાની છે, એટલે એણે આવું કર્યું? તેમણે ભીની આંખે ગર્વ સાથે ઉમેર્યું કે, જો મારી દીકરી પૈસા લઈને ખસી ગઈ હોત, તો તમે બધા અમને મારવા કે લડવા ન આવત? પણ મારી પોરી એવી નથી. મારી પોરી ભલે જીતે કે ન જીતે, પણ તે પૈસાની લુચ્ચી નથી, તે ઇજ્જતવાળી છે. આજે એણે એના મા-બાપની આબરૂ રાખી છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
