બનાસકાંઠા સાસરિયાઓએ મહિલાના મૃતદેહને રઝળતો મૂક્યો
ધાનેરામાં માનવતા શર્મશાર કરતી ઘટના
સાસરિયાઓએ મહિલાના મૃતદેહને હોસ્પિટલ બહાર રઝળતો મૂક્યો
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં માનવતાને શર્મશાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાસરિયા પક્ષના સભ્યો પોતાની ૩૫ વર્ષીય પુત્રવધૂના મૃતદેહને એક ખાનગી હોસ્પિટલ બહાર ગાડીમાં જ રઝળતો મૂકીને ફરાર થઈ ગયા છે. પિયર પક્ષે સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે, જેને પગલે ધાનેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સાસરિયા પક્ષના સભ્યો પોતાની જ પુત્રવધૂના મૃતદેહને એક ખાનગી હોસ્પિટલ પાસે ગાડીમાં જ છોડીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નાનુડા ગામની વતની 35 વર્ષીય મહિલાના લગ્ન ગોલા ગામે થયા હતા, પરંતુ તેનું શંકાસ્પદ મોત થતાં સાસરિયાઓએ જવાબદારી સ્વીકારવાને બદલે લાશને બિનવારસી હાલતમાં મૂકી દેવાનો રસ્તો અપનાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પિયર પક્ષના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. મૃતક મહિલાના પિયર પક્ષે સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પિયર પક્ષનું કહેવું છે કે લગ્ન જીવન દરમિયાન સાસરિયા પક્ષ તરફથી મહિલાને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસના કારણે જ મહિલાનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાસરિયા પક્ષના લોકો શા માટે મૃતદેહને હોસ્પિટલ આગળ મૂકીને રફુચક્કર થઈ ગયા, તે પ્રશ્ન હાલ તપાસનો મુખ્ય વિષય બન્યો છે.
પિયર પક્ષે પોતાની દીકરીના મોત મામલે ન્યાય માટે પોલીસ સમક્ષ કરુણ માંગણી કરી છે. ધાનેરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને કબજે કરી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ હાલ સાસરિયા પક્ષના સભ્યોની શોધખોળ કરી રહી છે જેથી આ સમગ્ર રહસ્યમય ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકે. ગુનો આચરનાર સામે કડક પગલાં લેવાશે તેવી ખાતરી તંત્રએ આપી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
