બગસરાની એસબીઆઈ બેંકમાં મોડી રાત્રે આગ લાગી
બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો
આગ લાગવાનું કારણ અકબંધ
નુકસાન અંગે તપાસ શરૂ
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બસસ્ટેન્ડ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) શાખામાં મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ બેંકમાં ચારે તરફ આગ ફેલાઈ ગઈ હતી અને ધુમાડો વધુ હોવાને કારણે ફાયર જવાનોને આગ પર નિયંત્રણ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. ઇમર્જન્સી ફાયર ટીમે વોટર બાઉઝર સાથે પાણીનો મારો ચલાવ્યો હતો અને પોર્ટેબલ વેન્ટિલેશન ફેનનો ઉપયોગ કરીને ધુમાડો ઓછો કર્યો હતો. બે કલાકથી વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ અમરેલી ફાયર ટીમ દ્વારા આગ સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી હતી. આ કામગીરીમાં જિલ્લા ફાયર ઓફિસર એચ.પી. સરતેજા, સાગરભાઈ પુરોહિત, ભગવતસિંહ ગોહિલ, નિલેશભાઈ સાનિયા, હર્ષપાલસિંહ ગઢવી, કૃષ્ણભાઈ ઓળકીયા, મિલનભાઈ ગાંભવા અને ભીખુભાઈ સહિતની ફાયર ટીમના કર્મચારીઓ જોડાયા હતા. જોકે, આગને કારણે બેંકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નુકસાનના ચોક્કસ અંદાજ અને કારણો જાણવા માટે આજે દિવસભર તપાસ હાથ ધરવામાં આવશે…
