યુવતીને હેરાન કરનાર આરોપીઓની ધરપકડ
ઓમ પ્રકાશ ધુરીયા, રાહુલ સિંહ, જીતુ જાદવની ધરપકડ
આરોપીઓ યુવતીને ૬ મહિનાથી હેરાન કરતા હતા
સુરતની ઉધના પોલીસે યુવતીને ૬ મહિનાથી હેરાન કરતા અને અશ્લીલ ઇશારા કરી છેડતી કરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ઉધના પોલીસે જણાવ્યું હતું કે , ઉધના પોલીસ મથકે એક યુવતીએ અમુક ઈસમો તેની છેડતી કરતા હોવાની અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ઉધના પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ઉધના પોલીસે આરોપી ઓમપ્રકાશ ઉર્ફે નનકા રામખદેરૂ ધુરીયા , રાહુલ જયનારાયણ સિંહ અને જીતુ નવલ જાદવ ને ઝડપી પાડ્યા છે.પકડાયેલ આરોપી યુવતીને મોબાઈલ ઉપર વ્હોટસઅપ મેસેજ તથા અલગ અલગ ફેસબુક આઈડી પરથી મેસેજ કરતા અને યુવતી ઘરે એકલી હોય એ દરમ્યાન ઘરમાં ઘુસી હેરાન કરતા હતા. આ સાથે સહ આરોપી યુવતીના પિતાના કારખાને જઈ પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.