સુરતમાં આપ ના પ્રદેશ મહામંત્રીએ પ્રવેશોત્સવને વખોડ્યો
શાસકો પર આક્ષેપ કરતા કહ્યું- ગુજરાતમાં 33 લાખ બાળકો શાળાથી વંચિત
19,650 શિક્ષકની જગ્યાઓ ખાલી છતાં સરકાર ઉત્સવ ઊજવે છે.
આમ આદમી પાર્ટીના શિક્ષણ સમિતિના સભ્યએ પ્રવેશોત્સવને લઈ આક્ષેપો કરી પ્રવેશોત્સવ કે દંભોત્સવ તેવા સવાલો કર્યા હતાં.
સુરતમાં શિક્ષણ સમિતિની શાળાઓમાં હાલ પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ મુદ્દે આજ રોજ આમ આદમી પાર્ટીના શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ પ્રવેશોત્સવ કે દંભોત્સવ ? તેવા આક્ષેપો કરી ગુજરાત સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ગુજરાતમાં 6-7 વર્ષના 1.39 કરોડ બાળકો છે, તેમાંથી 24 ટકા એટલે કે 33 લાખથી વધુ બાળકો શાળાએ જતા જ નથી. 2022-23 ની સરખામણીએ 2023-24માં સરકારી શાળાઓમાં 1.30 લાખ પ્રવેશ ઘટ્યા છે, જયારે ખાનગી શાળાઓમાં 1.27 લાખ પ્રવેશ વધ્યા છે. 2015-16 બાદ રાજ્યમાં સરકારી સ્કૂલોની સંખ્યામાં 542 નો ઘટાડો અને ખાનગી શાળાઓમાં 1745 નો વધારો થયો છે. પ્રાથમિક શાળામાં પ્રવેશ લેતા માત્ર 15 ટકા વિદ્યાર્થીઓ જ ધોરણ 12 પૂરું કરે છે. 34 જિલ્લામાં 2574 જેટલી શાળા જર્જરીત ઓરડા ધરાવે છે, જ્યારે 7599 શાળાઓ હજુ પણ પતરાની છત નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. સરકારી આંકડા દર્શાવે છે કે શિક્ષકોની 19,650 ખાલી જગ્યાઓ છે. ગુજરાતમાં કુલ 34,699 સરકારી સ્કૂલો છે, જે પૈકી 7007 સ્કૂલોમાં નળથી જળની સુવિધા નથી. ગુજરાતની 6332 શાળાઓમાં રમતના મેદાન નથી. ગુજરાતમાં 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષકથી કાર્યરત છે. 15 વર્ષ કરતા વધુ સમયથી શારિરીક શિક્ષણ, સંગીત, કલા, ચિત્રના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. તથા 15 વર્ષ કરતા વધુ સમયથી લાઈબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી તેમ કહ્યુ હતું.