સુરતમાં પરેશ વાઘેલા નામના યુવકની ચપ્પુ મારીને હત્યા
નશેડીને નશો કરવા પૈસા ના આપતા એકના એક દીકરાની હત્યા કરી
રિક્ષાચાલકને પણ ચપ્પુના ઘા ઝીક્યા
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રાત્રે હીરાના કારખાનેથી છૂટીને ઘર તરફ જતા રત્નકલાકાર પાસે એક ઈસમે નશાના પૈસાની માગણી કરી હતી. પરંતુ રત્નકલાકાર પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી નશા માટે પૈસા આપવાનું ઈનકાર કરતા આરોપીએ ચપ્પુ મારી રત્નકલાકારની હત્યા કરી હતી. ત્યારબાદ આગળ જઈ એક રીક્ષા ચાલકને પણ ચપ્પુન ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટનાના પગલે સમગ્ર કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને કારણે લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કરાતા પરિસ્થિતિ મોડી રાત્રે તંગ બની હતી. પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવામાં આવી હતી. આ સાથે પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવાની ફરજ પડી હતી.
મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગરમાં અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે. અરવિંદભાઈને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર પરેશ (ઉ.વ.17) છે. અરવિંદભાઈ ફ્રુટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અરવિંદભાઈનો પુત્ર પરેશ હીરાના કારખાનામાં સરીન વિભાગમાં કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. રાત્રે પરેશ હીરાના કારખાનેથી છૂટીને પરત ઘરે આવી રહ્યો હતો. દરમિયાન પરેશ શેરીમાંથી પસાર થતો હતો. તે સમયે આરોપી પ્રભુ શેટ્ટી તેની પાસે આવી નશા માટે પૈસાની માંગણી કરી હતી. દરમિયાન પરેશે કહ્યું હતું કે મારી પાસે ભાડાના દસ રૂપિયા છે નશો કરવાના પૈસા નથી તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પ્રભુએ આવેશમાં આવી તેની પાસે રહેલ ચપ્પુથી પરેશને પેટના ભાગે એક ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો. ત્યાંથી આગળ જઈ પ્રભુએ એક રીક્ષા ચાલક ધીરેન્દ્રને આગળ સુધી મૂકી જવા કહ્યું પણ તેને ઇનકાર કરતા તેને પણ ચપ્પુન ઘા માર્યા હતા. પરેશને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ધીરેન્દ્રની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે સ્થાનિક કાપોદ્રા પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. પોલીસે મૃતક પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા આરોપી પ્રભુ રવિરામ શેટ્ટી (ઉ.વ.25 રહે.લક્ષ્મણ નગર સોસાયટી કાપોદ્રા) ની ધરપકડ કરી કરી હતી. કાપોદ્રા પોલીસે આરોપી પ્રભુની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. રાત્રે પરિવારજનો સાથે સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો હતો. મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કર્યો હતો. 500થી વધુ લોકોએ પોલીસ સ્ટેશનના રસ્તાને બંધ કરીને ન્યાયની માંગણી કરી હતી. મૃતકના પરિવારજનોએ આરોપીને રસ્તા વચ્ચે જાહેરમાં છૂટો મૂકી દો, તેમને ફાંસી આપો અમને ન્યાય અપાવો તેવા નારાઓ ચલાવ્યા હતા અને આખા પોલીસ સ્ટેશન મથકને માથે લીધું હતું. પોલીસ મથકના દરવાજાને લોક કરી દેવાનો વારો પણ આવ્યો હતો. સ્થિતિ અંગ થઈ જતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આ સાથે જ વરાછા પુણા સરથાણા સારોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાનું કહી સમજાવવામાં આવતા રાત્રે 2 વાગ્યા આસપાસ મામલો થાળે પડ્યો હતો. કાપોદ્રા પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીએ કબુલાત આપી હતી કે, તે ચાલતા જઈ રહ્યો હતો તે દરમિયાન પરેશ સાથે અથડાયા બાદ બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી તેને ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્યારબાદ આગળ જતા એક રીક્ષા ચાલકને આગળ સુધી મૂકી જવા કહેતા તેને પણ ઇનકાર કરતા તેને પણ ચપ્પુના બે ઘા મારી દીધા હતા. આમ અથડાવાની સામાન્ય બાબતમાં 17 વર્ષના કિશોરની હત્યા કરી દેવામાં આવી હતી.