સુરતના કતારગામ ઝોનના દબાણ ખાતાની દાદાગીરીનો વિડીયો
લોકો દબાણ ખાતાની અને કતારગામ ઝોન ઓફિસે ખાઈ રહ્યા છે ધક્કા
અમારા સાહેબે કહ્યું છે કે નહિ આપવો. કોર્ટમાં જાવ, પોલીસમાં જાવ! : અધિકારી
સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનના દબાણ ખાતાની દાદાગીરી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જપ્ત કરેલા માલ સામાનને લઈને લોકો દબાણ ખાતાની અને કતારગામ ઝોનઓફિસે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ જપ્ત કરેલો માલ સામાન ન આપતા હોવાનું વાયરલ વીડિયોમાં દેખાઈ છે.
સુરતના કતારગામ વિસ્તારની લંકા વિજય હનુમાન મંદિર પાછળ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અધિકારીઓએ વસવાટ કરતા લોકોનો ઘરવખરીનો સામાન ઉપાડી પોતે જ ઝોન ઓફિસે ખસેડી દીધો. જોકે, હવે જ્યારે દબાણગ્રસ્ત નાગરિકો પોતાનો સામાન પાછો માંગવા ગયા તો અધિકારીએ એવો જવાબ આપ્યો કે, અમારા સાહેબે કહ્યું છે કે નહિ આપવો. કોર્ટમાં જાવ, પોલીસમાં જાવ! આ દરમિયાન પોતાનો સામાન લેવા કાયદેસર રીતે આવેલા લોકોને પણ જાણે હડધૂત કરતા હોય તે પ્રકારનો વાઈરલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં લોકોએ પોતાના સામાન માટે આજીજી કરી કે, તેમના જમવાના ઉપયોગમાં લેવાતા જે વાસણો છે તે લઈને આવ્યા છે તે પરત આપી દો. તો કતારગામના આસિસ્ટન્ટ એન્જિનિયર દીપક પાટીલે સ્પષ્ટ જવાબ આપ્યો કે, તમને અંદર આવા કોણે દીધા? તમે જઈને અમારા અધિકારીને મળો. મને અધિકારીએ સ્પષ્ટ કહ્યું છે કે, તમને સામાન આપવાનો નથી. લોકો છતાં પણ તેમને આજીજી કરી કે, અમને અમારા સામાન આપી દો અમને તમારા સાહેબ મળતા નથી. તો દીપક પાટીલે જવાબ આપ્યો કે, અમારા સાહેબ તમને મળતા નથી તો એમાં હું શું કરી શકું. હવે આ સામાન હું તમને પાછો આપવાનો નથી તમારે કોર્ટમાં જાઓ અમારી સામે કેસ કરો અને પોલીસ ફરિયાદ કરો તમને યોગ્ય લાગે તે કરો પણ અમે હવે સામાન આપવાના નથી. જોકે, આ જ ઝોન ઓફિસમાં એનજીઓ દ્વારા સામાન ચોરાઈ જવાની ફરિયાદને લઈને કાર્યપાલક એન્જિનિયર કામિની દોશીને પણ ફરિયાદ કરી છે. હજુ સુધી એનજીઓને પણ સામાન પરત આપવામાં આવ્યો નથી.