અમેરિકાના રોબિન્સન ટાઉનશીપમાં ગોળીબારની ઘટના
બારડોલીના રાયમ ગામના રાકેશ પટેલનું મોત, ગામમાં શોકનું મોજું
તેઓ મૂળ બારડોલી તાલુકાના રાયમ ગામના વતની
અમેરિકાના પેન્સિલવેનિયા એલેગેની કાઉન્ટીની રોબિન્સન ટાઉનશીપમાં શુક્રવારે થયેલી ગોળીબારની ઘટનામાં મોટેલ મેનેજર અને મૂળ ભારતીય વ્યક્તિ રાકેશ પટેલ(ઉંમર ૫૦)નું મૃત્યુ થયું છે. તેઓ મૂળ બારડોલી તાલુકાના રાયમ ગામના વતની હતા.
એલેગેની કાઉન્ટી પોલીસે આ હત્યા કેસના સંબંધમાં સ્ટેનલી વેસ્ટ (ઉંમર ૩૮) પર હત્યા, હત્યાનો પ્રયાસ અને બેદરકારીપૂર્વક અન્ય વ્યક્તિને જોખમમાં મૂકવાનો આરોપ મૂક્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, એક વિવાદ દરમિયાન આરોપી સ્ટેનલી વેસ્ટે મોટેલના પાર્કિંગમાં તેની મહિલા સાથીને ગોળી મારી હતી. જ્યારે મોટેલ મેનેજર રાકેશભાઈ શું થઈ રહ્યું છે તે જોવા માટે બહાર આવ્યા, ત્યારે શંકાસ્પદ વ્યક્તિએ તેમને પણ ગોળી મારી દીધી અને તેમનું મૃત્યુ થયું હતું. જો કે, મહિલાને ઇજા થઇ હતી અને તે સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહી હતી. રોબિન્સન ટાઉનશીપમાં બે વ્યક્તિઓને ગોળી માર્યા બાદ શંકાસ્પદ વ્યક્તિ યુ-હૌલ વાન માં ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને ઇસ્ટ હિલ્સમાં વિલ્નર ડ્રાઇવ પર શોધી કાઢ્યો હતો. પોલીસ જાસૂસો વાન પાસે પહોંચ્યા ત્યારે આ શંકાસ્પદ વ્યક્તિએ બહાર આવી અધિકારીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ અથડામણમાં એક પિટ્સબર્ગ પોલીસ અધિકારીને પગમાં ગોળી વાગતા ઇજા થઇ હતી. જયારે શંકાસ્પદ વ્યક્તિ પણ ગોળી વાગવાથી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. બોક્સ મૃતક રાકેશ પટેલ: મૂળ ગુજરાતના બારડોલીના વતની પ્રાપ્ત માહિતી મુજબ, હત્યાનો ભોગ બનેલા ૫૦ વર્ષીય રાકેશ પટેલ મૂળ ભારતના ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની હતા. તેઓ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હતા અને મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આ કરૂણ ઘટનાના સમાચાર રાયમ ગામ સુધી પહોંચતા જ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમેરિકામાં મોટેલ સંચાલક તરીકે ફરજ બજાવતા ગામના વ્યક્તિનું અકાળે અવસાન થતાં પરિવારજનો અને ગામલોકો સ્તબ્ધ થઈ ગયા છે.
મૃતકના સાળા સીંગોદ ગામના વતની જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મારા બનેવી રાકેશભાઈ ખૂબ જ સરળ અને નિખાલસ હતા. તેઓ હંમેશા અમને પણ મદદરૂપ થતા હતા. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ દીકરીઓ છે. 2013માં થયેલા ભયાનક કાર અકસ્માતમાં મોટી દીકરીનો એક હાથ કામ કરતો બંધ થઈ ગયો હતો. જ્યારે બીજા નંબરની દીકરીને પણ કિડની અને ફેફસાની તકલીફ છે. જ્યારે ત્રીજી દીકરી 9 વર્ષની છે. પરિવાર ખૂબ જ મહેનતુ હતું. તેમણે જણાવ્યું કે જો વિઝા મળે તો હું પણ બહેનને સાંત્વના આપવા અમેરિકા જઈશ એમ કહેતા કહેતા તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.
