પોણા બે કરોડ રૂપિયાની ચાઈનીઝ દોરી સુરત પોલીસે જપ્ત કરી
ગોડાઉનમાં કુલ 1710 જેટલા મોટા બોક્સ મળી આવ્યા
ચાઈનીઝ દોરી અલગ-અલગ રાજ્યોમાં સપ્લાય થતા હતા
હાલ ઉત્તરાયણ નથી છતાં સુરત શહેરમાં પોણા બે કરોડ રૂપિયાની ચાઈનીઝ દોરી સુરત પોલીસે જપ્ત કરી છે. એલસીબી સ્કોડે થોડાક દિવસો પહેલા યાર્નના નામે ચાઈનીઝ દોરી બનાવી રહેલી ફેક્ટરી ઝડપી હતી તેની તપાસમાં મોટો ખુલાસો થયો છે.
સુરતમાં હવે ફેક્ટરી બાદ હવે ચાઈનીઝ દોરીનું ગોડાઉન પણ મળી આવ્યું છે, જેમાં પોણા બે કરોડ રૂપિયાની ચાઈનીઝ દોરી અલગ-અલગ રાજ્યોમાં સપ્લાય કરવા માટે મૂકવામાં આવી હતી.એટલું જ નહીં, પોલીસ અને જીએસટી વિભાગને ગુમરાહ કરવા માટે તમામ બોક્સ પર ઇન્ડસ્ટ્રીયલ યુઝ લખવામાં આવ્યું હતું.ચાઈનીઝ દોરી કેટલી ઘાતક અને જીવલેણ છે તે જાણતાં હોવા છતાં સુરત શહેરના પાંડેસરા અને સચીન જીઆઇડીસીમાં ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઘણા સમયથી ચાલી રહી હતી, જેના પર રેડ કરવામાં આવી હતી એને ત્યાંથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે ફેક્ટરીની સાથે ગોડાઉન પણ મળી આવ્યું છે. આ ગોડાઉનમાં કુલ 1710 જેટલા મોટા બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સની અંદર ફીરકીની સાથે ચાઈનીઝ દોરી મળી આવી હતી. મયુર પટેલ અને સંજય પટેલ બંને ફેક્ટરી અને ગોડાઉન ભાડે લઈ દેશના અલગ-અલગ રાજ્યોમાં ઘાતક ચાઈનીઝ દોરી મોકલી રહ્યા હતા. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરીની ફેક્ટરી મળી આવી હતી, તેની તપાસ કરતા હવે પાંડેસરા જીઆઇડીસીમાં ચાઈનીઝ દોરી રાખવા માટે ગોડાઉન મળી આવ્યું છે. ત્યાં જઈને તપાસ કરવામાં આવી તો મયુરભાઈ પટેલ અને સંજયભાઈ પટેલ બંનેએ ભાડે પ્લોટ લીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે, યાર્ન જે અમે બનાવી રહ્યા છીએ તેને બહાર મોકલવાનું છે. જેનો સ્ટોક રાખવા માટે ગોડાઉનની જરૂરિયાત છે, આ માટે આ પ્લોટ ભાડે લીધેલો છે.ગોડાઉનમાં તપાસ કરતા 1710 જેટલા મોટા બોક્સમાં ચાઈનીઝ દોરી મળી આવી હતી. એક બોક્સની અંદર 40થી 60 જેટલી ચાઈનીઝ દોરી સાથે ફીરકી મૂકવામાં આવી હતી. અને આ દોરીને અલગ અલગ શહેરોમાં મોકલી વેચાણ કરવામાં આવતું હતું.