પાર્ક થયેલી લક્ઝુરિયસ BMW કારમાં લાગી આગ,
ગણતરીના સમયમાં જ થઈ સંપૂર્ણ ખાક
સુરતમાં ગરમીની સાથે આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના બમરોલી રોડ ખાતે આવેલ કોમલ સર્કલ પાસે મનહર ડાઈંગ પાછળ બીએમ ડબ્લ્યુ કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.
સુરતના પાલ આરટીઓ નજીક શાલીગ્રામ હાઈટ્સ ખાતે રહેતા રાજેશભાઈ અજમેરા તેમની બીએમડબલ્યુ કાર લઈ મિત્રો સાથે બમરોલી રોડ પર કોમલ સર્કલ મનહર ડાઈંગની પાછળ મિત્રની દુકાને ગયા હતા. તેમણે ઈલેક્ટ્રિક ડીપીની નજીકમાં કાર પાર્ક કરી હતી અને મિત્રની દુકાનમાં ગયા હતા. હજી તો તેઓ દુકાનમાં જઈ બેઠા ત્યાં બહાર પાર્ક કરેલી તેમની કાર અચાનક ભડકે બળવા લાગી હતી. કારમાં આગ લાગી હોવાની જાણ થતા તેઓ ત્યાં દોડી ગયા હતા. બનાવની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે ફાયર પહોંચે ત્યાં સુધીમાં સંપૂર્ણ કાર આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. ડીપીમાંથી તણખો પડતા આગ લાગી કે પછી કારમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.