જૂનાગઢ આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો
આહિર સમાજે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
શાળા તેમજ હોસ્ટેલની માન્યતા રદ કરી સંચાલકો સામે કાર્યવાહીની માંગ
જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાઈ છે. સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના વીડિયો વાઈરલ થતાં સમગ્ર આહીર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે સમસ્ત આહીર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મૌન રેલી કાઢીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને શાળા તેમજ હોસ્ટેલની માન્યતા રદ કરી સંચાલકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ઝઘડાને કારણે ઉપલેટા, માંગરોળ અને ધોરાજીના ત્રણ વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો. આ સંવેદનશીલ મુદ્દાની જાણ થતાં આહીર સમાજના અગ્રણીઓ તાત્કાલિક મેદાને આવ્યા હતા. ઉપલેટા આહીર સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, “આ ઘટના અત્યંત નિંદનીય છે. અમને માહિતી મળી છે કે શાળા અને હોસ્ટેલ સંચાલકોએ આ સમગ્ર ઘટનાને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકારની ઘટનાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સુરક્ષા માટે જોખમરૂપ છે. અમે માંગ કરીએ છીએ કે શાળા અને હોસ્ટેલની માન્યતા રદ કરીને સંચાલકો વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે. ઘટનાના વિરોધમાં સમસ્ત આહીર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો મૌન રેલી સ્વરૂપે જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ત્યાં તેમણે મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં સમગ્ર મામલે સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવાના સમયે મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કરી વહેલામાં વહેલી તકે ન્યાયની માંગ કરી હતી. હાલ પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો સામે કયા પગલાં લેવાય છે તે જોવું રહ્યું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
