ઉચ્છલ પંથકમાં જુગારધામોનો રાફડો
પીયુષ, વિકી અને લાખન ટોળકીની દાદાગીરી સામે જનતામાં રોષ
ઉચ્છલ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં જાણે કાયદાનો ડર ઓસરી ગયો હોય તેમ જુગાર અને સટ્ટાબજારની બદી ફૂલીફાલી છે. કરોડ નારાણપુર સહિત તાલુકાના ૧૪ જેટલા સ્થળોએ પીયુષ, વિકી અને લાખન જેવી રીઢા તત્વોની ટોળકીઓ બેફામ બની જુગારધામ ચલાવી રહી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે.
મળતી માહિતી મુજબ, આ સમગ્ર વિસ્તારમાં પીયુષ અને વિકીની જોડીએ ૧૪ અલગ-અલગ જગ્યાઓ પર આંકડાનો વરઘોડો શરૂ કર્યો છે. હાર-જીતની આ રમતમાં અનેક મધ્યમવર્ગીય પરિવારો પાયમાલ થઈ રહ્યા છે. બીજી તરફ, લાખન નામના શખ્સના નામે મોટા પાયે સટ્ટાબજાર ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં લાખો રૂપિયાની હેરફેર થતી હોવાની ચર્ચાઓ છે.માત્ર એક ગામ નહીં, પણ કરોડ નારાણપુર સહિત આખું ઉચ્છલ પંથક આ બદીની ઝપેટમાં છે. પીયુષ, વિકી અને લાખન જેવા તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવું વર્તન જોવા મળી રહ્યું છે. યુવાધન બરબાદ આ જુગારધામોને કારણે સ્થાનિક યુવાધન ખોટા રસ્તે વળી રહ્યું છે અને ગુનાખોરીનું પ્રમાણ વધવાની ભીતિ સેવાઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં જુગારધામો ધમધમી રહ્યા હોવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર કેમ મૌન છે ? શું આ ટોળકીઓને કોઈનું રાજકીય પીઠબળ પ્રાપ્ત છે કે પછી વહીવટી તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ જવાબદાર છે ? ઉચ્છલની જનતા હવે આ મામલે ઉચ્ચ કક્ષાએથી કડક તપાસ અને દરોડાની માંગ કરી રહી છે. તંત્ર જાગશે કે પછી લખાન -પીયુષ-વિકીની આ ‘હાર-જીત’ની રમત જનતાની જીંદગી સાથે ખેલાતી રહેશે ?
