દિવાળીના તહેવારને લઈને ભાવનગર પોલીસ એલર્ટ
એસ.પી. નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ શહેરના બજારોમાં ફૂટ પેટ્રોલિંગ
ભાવનગર શહેરમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ભાવનગર પોલીસ દ્વારા ખાસ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગરના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ LCB, SOG તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરના મુખ્ય બજારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સોની બજાર, આંગડિયા પેઢીઓ તેમજ વેપારી વિસ્તારોમાં ચોરી કે લૂંટ જેવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવશે. દિવાળીની ખરીદી માટે બજારોમાં લોકોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. તહેવાર દરમિયાન વેપારીઓ અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવશે.
