જૂની બોમ્બે માર્કેટમાં સાડી ચોરી કરતી ચાર મહિલાઓ ઝડપાઈ
ખરીદીના બહાને વેપારીનું ધ્યાન ભટકાવી બે મોંઘી બાંધણી સાડીની ચોરી
અંદાજે ₹20 હજારની સાડી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
વરાછા પોલીસે રાજકોટથી ચારેય મહિલાઓને ઝડપી પાડી
સુરતની જૂની બોમ્બે માર્કેટમાં ખરીદીના બહાને સાડીની ચોરી કરતી ચાર મહિલાઓને વરાછા પોલીસે રાજકોટથી ઝડપી પાડી હતી. ચારેય ચોર મહિલાઓએ વેપારીનું ધ્યાન ભટકાવી અંદાજે 20 હજાર રૂપિયાની બે મોંઘી બાંધણી સાડીની ચોરી કરી હતી જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
સુરતની જૂની બોમ્બે માર્કેટમાં સાડી ચોરી કરતી ચાર મહિલાઓનો પર્દાફાશ થયો હોય તેમ ગત્ 26 ઓક્ટોબરના રોજ જુની બોમ્બે માર્કેટ ખાતે આવેલ અભિનંદન બંધેજ નામની દુકાનમાં ચાર મહિલાઓ સાડી ખરીદવાના બહાને આવી હતી. સાડી જોવાના અને ભાવતાલ કરવાના બહાને વેપારીનું ધ્યાન ભટકાવી ચારેય મહિલાઓએ તકનો લાભ લઈ બે બાંધણી સાડીની ચોરી કરી હતી. ચોરી થયેલી આશરે 20 હજારની સાડીઓમાં એક ગ્રીન કલરની અને બીજી રાણી કલરની સાડી હતી. આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વરાછા પોલીસે રાજકોટ ખાતેથી ચારેય ચોર મહિલા આરોપીઓ શીતલબેન હાડા, નયનાબેન સોલંકી, આશાબેન રાઠોડ અને કિરણબેન ડોડીયાને ઝડપી પાડી હતી. અને પોલીસે ચોરીમાં ગયેલી બંને બાંધણી સાડીઓ પણ કબજે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
