તાપી જિલ્લાના સોનગઢના મેઢસીંગી ગામે વિકાસના દાવા પોકળ

Featured Video Play Icon
Spread the love

તાપી જિલ્લાના સોનગઢના મેઢસીંગી ગામે વિકાસના દાવા પોકળ
પાકા રસ્તાના અભાવે કાદવ-કિચડ ખૂંદીને સ્મશાન જવા મજબૂર

ગુજરાત રાજ્યમાં વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે તંત્રની ઉદાસીનતા અને ગ્રામીણ વિસ્તારોની વાસ્તવિક દુર્દશા દર્શાવતી એક અત્યંત શરમજનક અને સંવેદનશીલ તસવીર તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી સામે આવી છે. સોનગઢ તાલુકાના મેઢસીંગી ગામે વિકાસના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, જ્યાં પાકા રસ્તાના અભાવે ગ્રામજનો અને અંતિમયાત્રામાં જોડાતા ડાઘુઓએ દર ચોમાસાની ઋતુમાં કાદવ-કિચડ ખૂંદીને સ્મશાન સુધી જવાની અત્યંત કફોડી અને લાચાર સ્થિતિનો સામનો કરવો પડે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લામાં એક ગામથી બીજા ગામને જોડતા પંચાયત વિભાગના મુખ્ય પાકા રસ્તાઓ તો બની ગયા છે, જેના કારણે ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડવા પર માત્ર લો લેવલના રસ્તા બંધ થવાની નોબત આવે છે અને પાણી ઓસરતા વાહન વ્યવહાર ફરી શરૂ થઈ જાય છે. પરંતુ, ગામોની આંતરિક બેદરકારી અને વહીવટી અણઘડતાને કારણે એક ફળિયામાંથી બીજા ફળિયાને જોડતા આંતરિક માર્ગો આજદિન સુધી પૂરતા પ્રમાણમાં બન્યા નથી. પરિણામે, ચોમાસાની ઋતુમાં આવા ગામોમાં એક ફળિયામાંથી બીજા ફળિયે જવા માટે નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડે છે અને કાચા કાદવ-કિચડવાળા રસ્તેથી પસાર થવાની મજબૂરી ઉભી થાય છે. આ જ ગંભીર સમસ્યા સોનગઢ તાલુકાના મેઢસીંગી ગામમાં વર્ષોથી નાસૂર બની છે, જ્યાં સ્મશાન તરફ જતો આંબલી ફળિયાનો અડધા કિ.મી.નો મહત્વનો રસ્તો આજ દિન સુધી બનાવવામાં આવ્યો નથી. આ રસ્તે ખેતરે જવા-આવતા સામાન્ય રાહદારીઓ તેમજ ખાસ કરીને ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે આ કાદવ-કિચડવાળા કાચા રસ્તેથી અંતિમયાત્રા લઈને જતી વખતે ડાઘુઓની સ્થિતિ અત્યંત દયનીય બને છે. તાજેતરમાં જ આંબલી ફળિયામાં રહેતા ૬૦ વર્ષના બારકીયાભાઈ ગામીતનું માંદગી દરમિયાન અવસાન થતાં તેમની અંતિમયાત્રા લઈ જતા ડાઘુઓ આ કીચડવાળા માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા હતા. દર ચોમાસે આ જ પ્રકારે હાલાકી ભોગવવી પડતી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, જેને લઈને ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આગામી સિઝન સુધીમાં વહેલી તકે પાકો રસ્તો બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *