સુરતની સારોલી પોલીસ મથકની હદમાં ફાયરિંગ અને હત્યાનો આરોપી
2024માં થયેલા ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ચકચારી કેસ
નાસતા ફરતા મુખ્ય આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઓડિશાના ભુવનેશ્વરથી ઝડપ્યો
સુરતની સારોલી પોલીસ મથકની હદમાં વર્ષ 2024માં થયેલા ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ચકચારી કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા મુખ્ય આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઓડિશાના ભુવનેશ્વરથી ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચે નાસતા ફરતા આરોપીઓની ધરપકડ માટે વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ અંતર્ગત સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વર્ષ 2024ના ફાયરિંગ કેસના આરોપી સુરેશ હરીરામ છાબાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને મળેલી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી ઓડિશાના ભુવનેશ્વરમાં છુપાઈને રહેતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તાત્કાલિક ઓડિશા પહોંચી કાર્યવાહી કરતા આરોપીને દબોચી લીધો હતો. આ કેસમાં ફરિયાદી સાથે મહિલામિત્ર સાથે ફોન પર વાતચીતને લઈને થયેલા ઝઘડા બાદ આરોપીઓએ મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. ત્યારબાદ લાકડાં વડે મારામારી અને દેશી તમંચાથી ફાયરિંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
