સુરત જિલ્લાના અરેઠ તાલુકાના ટીટોઇ ગામેં ચૂંટણી બહિષ્કાર
ટીટોઇ ગામને માંડવી તાલુકામાં સમાવેશ નહી કરાતા ચૂંટણી બહિષ્કાર
સુરત જિલ્લાના અરેઠ તાલુકાના ટીટોઇ ગામને માંડવી તાલુકામાં સમાવેશ નહી કરાતા ચૂંટણી બહિષ્કાર અંગે માંડવી પ્રાંતને આવેદનપત્ર અપાયુ
અરેઠ તાલુકાના ટીટોઇ ગામને માંડવી તાલુકામાં સમાવેશ ના કરાતા ચૂંટણી બહિષ્કાર અંગે તા.21 એપ્રિલરોજ માંડવી પ્રાંતને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના તા 24 એપ્રિલના ગેઝેટ મુજબ તાલુકાઓના વિભાજન સમયે ગામ ટીટોઈને માંડવી તાલુકામાંથી અલગ કરીને અરેઠ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને ગામલોકોમાં ભારે અસંતોષ છે. ટીટોઈ ગામના રહીશોએ ગ્રામસભામાં ઠરાવ કરી સ્પષ્ટ માંગણી કરી છે કે અમારૂ ગામ ફરીથી માંડવી તાલુકામાં જ સમાવેશ કરવામાં આવે. કારણ કે ટીટોઈથી માંડવી માત્ર અંદાજે ૯ કિ.મી. દૂર છે, જ્યારે અરેઠ ૧૪ કિ.મીના અંતરે આવેલ છે. અરેઠ સુધી પહોંચવા પૂરતી પરિવહન સુવિધા ઉપલબ્ધ નથી. આરોગ્ય, શિક્ષણ અને અન્ય જરૂરી સેવાઓ માટે ગામલોકો માંડવી ઉપર જ આધારિત છે. ગામલોકોના રોજિદા વ્યવહાર અને સામાજિક સંબંધો માંડવી સાથે જ જોડાયેલા છે. આ મુદ્દે ગામલોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી, જેમાં તા. ૨૬-૦૨-૨૦૨૬ ના રોજ માનનીય હાઈકોર્ટ દ્વારા ચાર મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવા આદેશ આપવામાં આવ્યો છે. તેમ છતાં, આજદિન સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામલોકોમાં ભારે નારાજગી વ્યાપી છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ટીટોઈ ગામના તમામ મતદારો સર્વસંમતિથી નિર્ણય લે છે કે જો અમારી વાજબી માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે, તો આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામલોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે. અંતમાં વિનંતી છે કે, ગામલોકોની સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી ચૂંટણી બહિષ્કાર જેવી સ્થિતિ ઊભી ન થાય…
