નડીયાદમાં બિલ્ડરે આતંક મચાવ્યો.
શીતવંદન કોમ્પલેક્ષમાં બિલ્ડર અતુલ પટેલની દાદાગીરી.
રહીશો અને દુકાનદારો બિલ્ડરના ત્રાસથી પરેશાન.
ખેડા જિલ્લાના નડિયાદમાં કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પલેક્સમાં બિલ્ડર અતુલ પટેલની દાદાગીરી સામે આવી છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે બિલ્ડરે મંજૂરી વિના ગેરકાયદે બાંધકામ કરી પાર્કિંગની જગ્યા ભાડે આપી દીધી છે. કલેક્ટરના હુકમ છતાં તંત્ર મૌન સેવતા રહીશોએ હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં બિલ્ડરની દાદાગીરી સામે આવી છે. કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પલેક્સના દુકાનદારો અને રહિશોએ બિલ્ડર સામે ગંભીર આરોપો લગાવ્યા છે. આક્ષેપો છે કે બિલ્ડર અતુલ પટેલ વારંવાર દાદાગીરી કરે છે. આ મામલે નડિયાદ મહાનગરપાલિકા અને કલેક્ટરને રજૂઆત કરાઈ છે. જો કે તેમ છતાં હજું સુધી પગલાં લેવાઈ નથી. જેથી રહિશોએ ન્યાય નહીં મળે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. શીતવંદન કોમ્પલેક્સ રહિશોના આક્ષેપો અનુસાર બિલ્ડર અતુલ પટેલે કોમ્પલેક્સનું બેઝમેન્ટ પાર્કિંગ જે રહીશોના ઉપયોગ માટે હોવું જોઈએ, તેને બળજબરીપૂર્વક બંધ કરી દીધું છે. એટલું જ નહીં, આ પાર્કિંગની જગ્યા અન્ય વ્યક્તિઓને ભાડે આપી દેવામાં આવી છે. આ ઉપરાંત, રહીશોને હેરાન કરવાના હેતુથી કોમ્પલેક્સની આગળ આવેલું પાર્કિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ગ્રાહકો અને રહીશોને વાહન પાર્ક કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લાંબા સમયથી ન્યાય માટે વલખાં મારી રહેલા રહીશો હવે લડાયક મૂડમાં છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં આ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં નહીં આવે અને પાર્કિંગની સુવિધા પુનઃ શરૂ કરવામાં નહીં આવે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. કોલેજ રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં બિલ્ડરની આવી ખુલ્લેઆમ દાદાગીરી ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહે છે કે નડિયાદ મહાનગરપાલિકા આ મામલે ક્યારે જાગે છે.
બિલ્ડર સામેના આક્ષેપો માત્ર પાર્કિંગ પૂરતા મર્યાદિત નથી. એવો પણ ગંભીર આક્ષેપ છે કે બિલ્ડરે કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર કોમ્પલેક્સમાં વધારાના બે માળનું બાંધકામ કરી દીધું છે. આ ગેરકાયદે બાંધકામનો ઉપયોગ પેઈંગ ગેસ્ટ તરીકે ભાડે આપવા માટે કરવામાં આવી રહ્યો છે. આર્થિક લાભ ખાતર કરવામાં આવેલા આ બાંધકામથી બિલ્ડિંગના સ્ટ્રક્ચર પર પણ જોખમ ઊભું થયું હોવાની ભીતિ રહીશો સેવી રહ્યા છે. સમગ્ર મામલે રહીશોએ નડિયાદ મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટરને અનેકવાર રજૂઆતો કરી છે. નવાઈની વાત એ છે કે, કલેક્ટર દ્વારા આ દબાણ અને ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે હુકમ પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં બિલ્ડર અતુલ પટેલે આ સરકારી આદેશને ઘોળીને પી જઈને પોતાની મનમાની ચાલુ રાખી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
