વડોદરા બાપોદમાં મહિલા પોલીસકર્મીનો આપઘાત.
એલઆરડી પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
4 માર્ચના પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો
વડોદરામાં કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગઇકાલે તારીખ 4 માર્ચના પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો
વડોદરામાં આજવા રોડ નવજીવન પાસે રહેતી પ્રિયંકાએ તાજેતરમાં જ PSIની પરીક્ષા પાસ કરી હતી. મૂળ બનાસકાંઠા જિલ્લાની વતની પ્રિયંકાના આપઘાતનું કારણ અકબંધ છે. બાપોદ પોલીસ મથક વિસ્તારમાં બનેલી ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા કોન્સ્ટેબલે PSIની દોડની પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરતા હતા. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પોલીસ કર્મીઓએ મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી. બાપોદ પોલીસ સ્ટેશનના PI એમ.કે.ગુર્જરે જણાવ્યું હતું કે, આ ઘટનામાં મૃતક બહેનનું નામ પ્રિયંકાબેન રમેશભાઈ પ્રજાપતિ છે. તેઓ છેલ્લા બે વર્ષથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ નવજીવન વિસ્તારમાં વોર્ડ નંબર 5ની ઓફિસ સામે એકલા રહેતા હતા.
ગઇકાલે રાત્રે લગભગ 11 થી 11:30 વાગ્યાની આસપાસ લેખિત પરીક્ષાનું મટીરીયલ આપવા એક મિત્ર ઘરે ગઈ હતી. પોલીસ મિત્રએ દરવાજો ખખડાવતા તેમને ના ખોલતા દરવાજો તોડી અંદર જોતા પ્રિયંકા પ્રજાપતિ પંખા પર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ પણ વસ્તુ મળી આવી નથી. અમે હાલમાં ‘અકસ્માત મોત’ નો ગુનો દાખલ કર્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. એવું કોઈ ખાસ તણાવ જેવું જણાતું નહોતું. તેઓ ફક્ત પોતાની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતા. હાલમાં તપાસ ચાલુ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
