ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા
રથયાત્રાનો ધાર્મિક માહોલ વચ્ચે શ્રદ્ધાભેર પ્રારંભ
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાનો શ્રદ્ધાભેર પ્રારંભ
ભાવનગર શહેરના સુભાષનગર ખાતે ભગવાન જગન્નાથજીની 41 મી ભવ્ય રથયાત્રાનો ધાર્મિક માહોલ વચ્ચે શ્રદ્ધાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રાના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ, જિલ્લા પોલીસ વડા સહિત અનેક મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. રથયાત્રાના પ્રારંભ પહેલાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા-અર્ચના અને મહા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વિધિવત રીતે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું રથયાત્રાના દર્શન અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તાર જય જગન્નાથના જયઘોષ, ભજન-કીર્તન અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. રથયાત્રાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તેવું આયોજન કરાયું.
