પલસાણાના બગુમરામાં પત્નીની હત્યા
દિલ્હી ભાગેલો પતિ સુરત ગ્રામ્ય પોલીસના હાથે ઝડપાયો
સુરત ગ્રામ્ય પોલીસને પલસાણાના બગુમરા ગામમાં થયેલી મહિલાની હત્યાના કેસમાં મોટી સફળતા મળી છે. મહાદેવ વિલા એપાર્ટમેન્ટમાં રહેતી ૨૨ વર્ષીય મૈવિશ ખાતૂનની ગળું દબાવી હત્યા કરનાર તેનો પતિ જ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હત્યા બાદ દિલ્હી ભાગેલા આરોપીને પોલીસે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પલસાણાના બગુમરા ગામ ખાતે આવેલા મહાદેવ વિલા એપાર્ટમેન્ટના રૂમ નંબર-506માં 22 વર્ષીય મૈવિશ ખાતૂનનું શંકાસ્પદ મોત થતાં શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત ગ્રામ્ય એલસીબી અને પલસાણા પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક મહિલાનો પતિ શિવમસિંહ ઠાકુર જ હત્યારો હોવાનું સામે આવ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી દિલ્હી ભાગી ગયો હતો. પોલીસે ટ્રેકિંગના આધારે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી આરોપીને ઝડપી પાડી સુરત લાવવામાં સફળતા મેળવી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન સોશિયલ મીડિયા પર અન્ય મહિલાના સંપર્કને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. ઝઘડાના ગુસ્સામાં પત્નીની ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત આરોપીએ કરી છે. હાલ પોલીસે આરોપીને પલસાણા લાવી વધુ તપાસ હાથ ધરી છે…
