ચોમાસામાં ડેન્ગ્યુ-મેલેરિયા સહિતના કેસો વધતા રક્તની માંગ વધી
સુરત નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તની અછત
ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિત શરદી-ખાંસી અને તાવના કેસોમાં વધારો થતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રક્તની માંગ વધી છે. બીજી તરફ હાલ રક્તદાનનું પ્રમાણ ઓછું હોવાથી બ્લડ બેંકમાં રક્તની અછત વર્તાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ તેમજ નિયમિત ઓપરેશન માટે સતત રક્તની જરૂરિયાત રહે છે. પરંતુ ચોમાસાની ઋતુમાં રક્તદાનમાં ઘટાડો થતાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના બ્લડ બેન્ક ખાતે યોજાયેલા આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના તબીબો, રેસિડેન્ટ ડોક્ટર્સ, તબીબી અને નર્સિંગ સ્ટાફ સહિત સેવાભાવી નાગરિકો રક્તદાન કરશે. સાથે જ આગામી સમયમાં વિવિધ સેવા સંસ્થાઓ અને આમ નાગરિકો મહત્તમ સંખ્યામાં રક્તદાન કરે અને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ મળી રહે તે માટે જાગૃતિ સંદેશ પણ આપવામાં આવશે.
