આજે બળદેવની પૂનમનો પાવન પર્વ
સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા વિવિધ સ્થળોએ સમૂહ જનોઈ કાર્યક્રમો
કાપોદ્રાના કર્મનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમ
આજે બળદેવની પૂનમના પાવન પર્વ નિમિત્તે સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા વિવિધ સ્થળોએ સમૂહ જનોઈ બદલવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના કાપોદ્રાના કર્મનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
બળદેવની પુનમ એટલે કે રક્ષા બંધનના દિવસે સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા જનોઈ બદલવાના કાર્યક્રમો યોજાય છે. ત્યારે કાપોદ્રા કર્મનાથ મહાદેવ મંદિરે યોજાયેલા જનોઈ બદલવાનો કાર્યક્રમ શાસ્ત્રી ભાવેશ ઠાકરના આચાર્ય પદે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા. વૈદિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નૂતન જનોઈ ધારણ કરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમૂહ જનોઈ બદલવાની પરંપરાને ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ આપવામાં આવે છે. જનોઈ માત્ર સુતરનો તાંતણો નહીં, પરંતુ બ્રાહ્મણના બ્રહ્મત્વની મુખ્ય ઓળખ માનવામાં આવે છે.
ધાર્મિક વિધિ દરમિયાન દેવી-દેવતાઓનું આવાહન, પિતૃ તર્પણ તેમજ અગ્નિપૂજા અને સૂર્યપૂજા કરવામાં આવી. ગાયત્રી ઉપાસના અને ત્રિકાળ સંધ્યાના મહત્વ વિશે પણ ઉપસ્થિતોને સમજાવવામાં આવ્યું હતું. વર્ષો જૂની આ વૈદિક પરંપરા મંત્રોચ્ચાર સાથે પૂર્ણ કરવામાં આવી. અંતે તપોનિષ્ઠ બ્રાહ્મણો દ્વારા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી તેમજ ભગવાન મહાદેવને સમગ્ર સૃષ્ટિના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના અર્પણ કરાઈ હતી.
