સુરતમાં રેલવે વિભાગનો સજ્જડ સુરક્ષા બંદોબસ્ત
સુરત રેલવે સ્ટેશન પર જીઆરપી, આરપીએફ અને એસઓજીનો કડક બંદોબસ્ત,
મોરચા પોઇન્ટ, સીસીટીવી અને ડોગ સ્ક્વોડથી ચેકિંગ
ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવભરી સ્થિતિના પગલે દેશભરનાં રેલવે સ્ટેશનો પર સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવાઈ છે. પશ્ચિમ રેલવે દ્વારા તમામ મહત્ત્વનાં સ્ટેશનો પર પોલીસ સુરક્ષા વધારાઈ છે. સુરત રેલવે સ્ટેશન પર જી આર પી, આરપીએફ અને એસઓજીનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રેલવે સ્ટેશન ખાતે મોરચા પોઇન્ટ, સીસીટીવી અને ડોગ સ્કોડથી ચારે દિશાઓમાં તપાસ કરાઈ રહી છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદથી જ ભારત તથા પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને લઈ રેલવે સ્ટેશન એરપોર્ટ એસટી સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ચેકિંગ પણ કરવામાં આવતું હતું. દરમિયાન ભારતની પાકિસ્તાન પર સ્ટ્રાઈક બાદ સ્થિતિ વધુ તણાવભરી બની ગઈ છે. જેના પગલે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર જ્યાં વધુ લોકોની અવરજવર થઈ રહી છે ત્યાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસ, રેલવે પોલીસ ફોર્સ, એસઓજી અને એલસીબીના 25થી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોનો સામાન ચેક કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ મોરચા પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે. ગુજરાત રેલવે પોલીસ ના જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશનના પેટ્રોલ પર રહેલા મુસાફરો અને તેમના સામાન સ્નીફર ડોગ ડ્રેક દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. આ સાથે જ સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સુરત રેલ્વે સ્ટેશનના એક એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. 86 સીસીટીવી કેમેરા પર ગુજરાત રેલવે પોલીસ પી.આઈ એચ.ડી. વ્યાસ દ્વારા કંટ્રોલ રૂમ પરથી નજર પણ રાખવામાં આવી રહી છે. આ સાથે જ સુરત રેલ્વે સ્ટેશન પર જે પણ ટ્રેન આવે છે તેના કોચમાં સ્નિફર ડોગ સાથે તપાસ કરવામાં આવી રહી છે. સુરત રેલ્વે સ્ટેશન ખાતે તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તકેદારીનાં પગલાં લીધાં છે. લોકોમાં ભય ન ફેલાય અને મુસાફરી સુરક્ષિત બની રહે એ માટે ગુજરાત રેલવે પોલીસ, રેલવે પોલીસ ફોર્સ, એસઓજી અને એલસીબીન જવાનો સતત સક્રિય છે. મહત્ત્વપૂર્ણ બાબત એ રહી કે, આ સમયમાં રેલવે વ્યવસ્થામાં કોઈ પ્રકારની વિક્ષેપ કે દોડધામ નોંધાઈ નહોતી. ટ્રેનો નિયમિત રીતે ચાલી રહી હતી અને મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો કરવો પડયો ન હતો.